ડોઝ લેનાર લોકોમાં બ્લડ ક્લોટની ફરિયાદ આવ્યા બાદ ડેનમાર્ક, નોર્વે, ઓસ્ટ્રિયા સહિત સાત યૂરોપીયન દેશોએ એસ્ટ્રાજેનેકાની કોરોના રસી પર કામચલાઉ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. ડેનમાર્કના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે એસ્ટ્રાજેનેકાની તમામ રસીને બે સપ્તાહ માટે અટકાવી દીધી છે. આ નિર્ણય ડોઝ લેનાર 60 વર્ષીય મહિલામાં બ્લડ ક્લોટ બન્યા બાદ લેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ નિવેદનમાં કહ્યું કે, “એસ્ટ્રાજેનેકાની કોરોના રસી અનેક લોકોને આપવામાં આવી હહતી. ત્યારબાદ બ્લડ ક્લોટના ગંભીર કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.”


જોકે એ પણ કહેવામાં આવ્યું છે કે, હાલમાં રસી અને બ્લડ ક્લોટની વચ્ચે કોઈ સંબંધ હોવાનું કહેવું વહેલું ગણાશે. સ્વાસ્થ્ય એજન્સીએ ડેનમાર્ક બ્લડ ક્લોટ પીડિતની જાણકારી આપી નથી. ડેનમાર્કની પહેલ બાદ નોર્વેએ પણ મંગળવારે એસ્ટ્રાજેનેકાની રસી પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રિયાએ પણ 49 વર્ષીય નર્સના મોત બાદ એસ્ટ્રાજેનેકાની રસીના ઉપયોગ પર પ્રતિબંધ જાણકારી આપી હતી. 


આ મામલે એસ્ટ્રાજેનેકાએ ગુરુવારે રોયટર્સ ન્યૂઝ એજન્સીને લેખીત જવાબમાં કહ્યું હતું કે, તેની રસીની અસરની તપાસ માનવ પરીક્ષણથી થઈ હતી. કંપનીએ એ પણ કહ્યું કે, તેને કડક ગુણવત્તા નિયંત્રણથી પસાર થવું પડ્યું હતું અને રસી સાથે જોડાયેલ ગંભીર પ્રતિકૂળ પ્રભાવના કેસ સામે આવ્યા ન હતા. 


ઉપરાંત કંપનીએ ઓસ્ટ્રિયાના તપાસ અધિકારીઓને પૂરો સહયોગ આપવાનું વચન પણ આપ્યું. યૂરોપીયન યૂનિયનના ડ્રેગ નિયામક અને યૂરોપીય મેડિસીન એજન્સીએ બુધવારે કહ્યું કે, ઓસ્ટ્રિયામાં એસ્ટ્રાજેનેકા સાથે જોડાયેલ બે કેસમાં હાલમાં કોઈ પુરાવા નથી મળ્યા. ચાર અન્ય યૂરોપીયન દેશ એસ્તોનિયા, લાતવિયા, લિથુઆનિયા અને લક્ઝમબર્ગે પણ એસ્ટ્રાજેનેકા રસીનો ઉપયોગ હાલમાં અટકાવી દીધો છે. 


સ્પેને ગુરુવારે એસ્ટ્રાજેનેકા રસી સાથે જોડાયેલ બ્લડ ક્લોટની કોઈ ફરિયાદ ન મળી હોવાનું કહ્યું છે અને કહ્યું કે રસીકરણ અભિયાન પહેલાની જેમ જ યથાવત રહેશે. બુધવારે યૂરોપીયન મેડિસીન એજન્સીએ શરૂઆતની તપાસમાં ઓસ્ટ્રિયામાં ઉપોયગમાં લેવાયેલ એસ્ટ્રાજેનેકા રસી સાથે જોડાયેલ ઘટનાને ફગાવી દીધી હતી.