બોકો હરામના આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ નાઈજીરિયામાં કરેલા હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક રહેવાસીઓએ બુધવારે દાવો કર્યો હતો કે આતંકવાદીઓએ બજાર અને લોકોના ઘરોમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું.


યોબે પોલીસના પ્રવક્તા ડુંગસ અબ્દુલ કરીમે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે યોબે રાજ્યના તારમુવા કાઉન્સિલ વિસ્તારમાં 150 થી વધુ આતંકવાદીઓ મોટરસાઇકલ આવ્યા હતા અને ઇમારતોને આગ લગાડતા પહેલા ફાયરિંગ કર્યું હતું. યોબેના ડેપ્યુટી ગવર્નર ઈદી બાર્ડે ગુબાનાએ હુમલામાં મૃતકોની સંખ્યા 34 ગણાવી છે.


સમુદાયના નેતા જના ઉમરે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે જે 34 લોકોનો ઉલ્લેખ કર્યો છે તે હુમલામાં માર્યા ગયા છે તે એક જ ગામના હતા. તેમણે કહ્યું કે હુમલામાં અત્યાર સુધીમાં 102 ગ્રામવાસીઓના મોતની પુષ્ટી થઈ છે. તેમણે કહ્યું કે અધિકારીઓના આગમન પહેલા મોટાભાગના લોકોને દફનાવવામાં આવ્યા હતા અથવા તેમના મૃતદેહને દફનાવવા માટે લઈ જવામાં આવ્યા હતા.


મૃત્યુઆંક 100 થી વધુ


સ્થાનિક અધિકારી બુલામા જલાલુદ્દીને જણાવ્યું કે હુમલામાં 81 લોકોના મોતની પુષ્ટી થઈ છે. માફામાં રહેતા મોહમ્મદે કહ્યું કે ઘણા વધુ સ્થાનિક રહેવાસીઓ ગુમ છે અને મૃત્યુઆંક 100 થી વધુ હોવાનો અંદાજ છે.


150 સંદિગ્ધ બોકો હરામના આતંકવાદીઓએ હુમલો કર્યો


પોલીસ અધિકારી અબ્દુલકરીમે જણાવ્યું હતું કે, “રાઇફલ્સ અને આરપીજી (રોકેટથી ચાલતા ગ્રેનેડ)થી સજ્જ આશરે 150 શંકાસ્પદ બોકો હરામ આતંકવાદીઓએ યોબે રાજ્યના એક ગામમાં મોટરસાઇકલ પર આવ્યા હતા અને માફા વોર્ડ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમણે ઘણા લોકોની હત્યા કરી હતી. તેમજ ઘણી દુકાનો અને મકાનોને પણ સળગાવી દીધા હતા. જો કે, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોનો વાસ્તવિક આંકડો જાણી શકાયો નથી."


અબ્દુલકરીમે કહ્યું કે બોકો હરામનો આ હુમલો બે શંકાસ્પદ આતંકવાદીઓની હત્યાનો બદલો છે. આતંકવાદી જૂથ તેના બે આતંકીઓની હત્યા બાદ ગુસ્સે ભરાયું હતું. યોબે રાજ્ય છેલ્લા 15 વર્ષથી બોકો હરામ અને અન્ય ઉગ્રવાદી જૂથો દ્વારા બળવાખોરીનો ભોગ બની રહ્યું છે. જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.