Bondi Beach firing video: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ બોન્ડી બીચ પર રવિવારે સાંજે ગોળીબારની ભયાનક ઘટના બની હતી, જેમાં 9 નિર્દોષ લોકોના મોત થયા છે. આ આતંકના માહોલ વચ્ચે એક એવી ઘટના બની જેણે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે એક હુમલાખોર લોકો પર ગોળીઓ વરસાવી રહ્યો હતો, ત્યારે એક બહાદુર નાગરિકે જીવના જોખમે તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી. આ હિંમતભર્યા કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને 'વાસ્તવિક હીરો' ગણાવી રહ્યા છે.
સિડનીનો બોન્ડી બીચ હંમેશા પ્રવાસીઓ અને સ્થાનિકોની ભીડથી ધમધમતો હોય છે, પરંતુ રવિવારની સાંજ અહીં લોહિયાળ બની ગઈ હતી. અચાનક બે બંદૂકધારીઓએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, આ હુમલામાં કમનસીબે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 11 લોકો ઘાયલ થયા છે, જેમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં એક હુમલાખોર ઘટનાસ્થળે જ ઠાર મરાયો હતો, જ્યારે બીજો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ભયાનક ઘટના દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. જ્યારે ચારેબાજુ અફરાતફરી અને ગભરાટનો માહોલ હતો, ત્યારે એક અજાણ્યા નાગરિકે અદભૂત શૌર્ય દાખવ્યું હતું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આછા વાદળી રંગનું ટી-શર્ટ પહેરેલો એક વ્યક્તિ હુમલાખોરની પાછળથી આવે છે. તે પોતાની જાનની પરવા કર્યા વગર હુમલાખોરને પાછળથી મજબૂતીથી પકડી લે છે, જેના કારણે બંદૂકધારી તેનું સંતુલન ગુમાવી બેસે છે અને જમીન પર પટકાય છે.
વાત માત્ર હુમલાખોરને પાડવા સુધી સીમિત ન હતી, પરંતુ આ બહાદુર વ્યક્તિએ તરત જ તેના હાથમાંથી ઘાતક હથિયાર (બંદૂક) પણ છીનવી લીધું હતું. વીડિયોમાં દેખાય છે તેમ, બંદૂક છીનવી લીધા બાદ તેણે તે જ બંદૂક હુમલાખોર તરફ તાકી દીધી હતી જેથી તે ફરીથી કોઈ હુમલો ન કરી શકે. જો આ વ્યક્તિએ સમયસૂચકતા ન વાપરી હોત, તો કદાચ મૃત્યુઆંક હજુ પણ વધી શક્યો હોત. તેની આ સમયસૂચકતા અને નિડરતાને કારણે અનેક લોકોના જીવ બચ્યા હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના બની ત્યારે બીચ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને ગોળીબારનો અવાજ સાંભળતા જ નાસભાગ મચી ગઈ હતી. સેંકડો લોકો આશ્રય શોધવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા. પોલીસ કંટ્રોલ રૂમને સાંજે 6:45 વાગ્યે આ અંગેનો કોલ મળ્યો હતો અને ગણતરીની મિનિટોમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આખા ઓપરેશન દરમિયાન ભયના ઓથાર વચ્ચે પેલો અજાણ્યો યુવક આશાનું કિરણ બનીને ઉભરી આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર @jasetaylorkemp નામના યુઝર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકો કોમેન્ટ સેક્શનમાં આ વ્યક્તિ પર પ્રશંસાના પુષ્પો વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, "આ કોઈ ફિલ્મી હીરો નથી, પણ રિયલ લાઈફ હીરો છે. તેને સરકાર તરફથી બહાદુરીનો મેડલ મળવો જ જોઈએ." અન્ય એક યુઝરે લખ્યું, "દરેક વ્યક્તિમાં મોત સામે બાથ ભીડવાની આવી હિંમત હોતી નથી, સલામ છે આ વ્યક્તિને."