દક્ષિણ બ્રાઝિલમાં જીવલેણ પૂર વધુ વણસી જતાં, 4 મે, શનિવારના રોજ એક ફેરી બોટ ડૂબી ગયેલા પુલ સાથે અથડાઈ અને પલટી ગઈ. આ ઘટનાનો એક ભયાનક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. દરમિયાન, સમગ્ર પ્રદેશમાં અભૂતપૂર્વ પૂરે વિનાશ વેરવાનું ચાલુ રાખ્યું હોવાથી, દક્ષિણ બ્રાઝિલમાં રવિવારે મૃત્યુઆંક વધીને 56 થયો હતો, જેમાં અનેક ગુમ થયેલા લોકો હતા. બ્રાઝિલના અધિકારીઓના જણાવ્યા અનુસાર અન્ય 74 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે 67 લોકો ગુમ છે.


બ્રાઝિલના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. રાજ્ય સંરક્ષણ એજન્સીના જણાવ્યા અનુસાર પૂરને કારણે અત્યાર સુધીમાં 58 લોકોના મોત થયા છે. જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂરના કારણે 70 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા.






આ સિવાય 67 લોકો ગુમ થયાના અહેવાલ છે. બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યનું પોર્ટો એલેગ્રે શહેર પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું છે. સોમવાર (28 એપ્રિલ) થી રિયો ગ્રાન્ડે દો સુલ સાથે અથડાતા વાવાઝોડાથી 300 નગરપાલિકાઓ પ્રભાવિત થઈ છે.






બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે અને કેન્દ્ર સરકાર તરફથી મદદનું વચન આપ્યું છે. તેમણે પૂર અને વરસાદ માટે હવામાન પરિવર્તનને પણ જવાબદાર ગણાવ્યું છે. બ્રાઝિલના હવામાન વિભાગે પણ કહ્યું છે કે વરસાદની વધતી તીવ્રતા માટે અલ નીનો જવાબદાર છે.


બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં વરસાદને કારણે ડેમ તૂટી જવાનો ભય છે. ગુઆબા નદી, જે શહેરમાંથી વહે છે, તે 5.04 મીટરની વિક્રમી ઊંચાઈ પર છે, જે 1941 પછી સૌથી વધુ છે. બચાવ કર્મચારીઓને લોકોને બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. વહેતા પાણીને કારણે રસ્તાઓ ધરાશાયી થયા છે અને પુલ ધોવાઈ ગયા છે.


સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવકર્મીઓ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોર્ટો એલેગ્રે એરપોર્ટે શુક્રવાર 3 મેના રોજ અનિશ્ચિત સમય માટે ફ્લાઇટ્સ સ્થગિત કરી. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.