લંડન: બ્રિટનના પ્રાઇમ મિનીસ્ટર બોરિસ જૉનસનને લઇને એક ખાસ સમાચાર સામે આવ્યા છે. બોરિસ જૉનસને પોતાની ગર્લફ્રેન્ડ-ફિયાન્સ કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કરી લીધા છે. પીએમ બોરિસ જૉનસનના આ ત્રીજા લગ્ન છે, અને આ લગ્નમાં તેમના અંગત મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યાં હતા, ડાઉનિંગ સ્ટ્રીટમાં આવેલા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે વેસ્ટમિનસ્ટરમાં આવેલા રોમન કેથલિક કેથેડ્રલમાં પીએમ બોરિસ જૉનસને તેમના અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં કેરી સાયમન્સ સાતે લગ્નવિધિ પૂર્ણ કરી હતી.
બોરિસ જૉનસન અને કેરી સાયમન્ડ્સનુ આ સરપ્રાઇઝ વેડિંગ હતુ, કેમકે તેમને આગામી જુલાઇ 2022ના દિવસે લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ. 56 વર્ષી પ્રાઇમ મિનીસ્ટર બોરિસ જૉનસનની પત્ની તેમનાથી 23 વર્ષ નાની છે, એટલે કે કેરી સાયમન્ડ્સ 33 વર્ષની જ છે, જોકે લાંબા સમયથી બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું હતુ, અને બન્ને લગ્ન પહેલા જ એક બાળકને જન્મ આપી દીધો હતો. બન્નેની સગાઇ ગયા વર્ષે ફેબ્રુઆરી 2020માં થઇ હતી, અને બાદમાં એપ્રિલ 2020માં બન્ને એક બાળકના માતાપિતા બન્યા હતા.
બોરિસ જૉનસનના આ ત્રીજા લગ્ન છે, બોરિસ જૉનસને કેરી સાયમન્ડ્સ સાથે ત્રીજા લગ્ન કર્યા છે, જ્યારે કેરી સાયમન્ડ્સના આ પ્રથમ લગ્ન જ છે. સૌથી પહેલા બોરિસ જૉનસનના લગ્ન પત્રકાર અને કલાકર અલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે થયા હતા, બન્ને 1987થી 1993 સુધી સાથે રહ્યાં હતા અને બાદમાં છૂટા પડી ગયા હતા. ત્યારબાદ તેમણે 1993માં ભારતીય મૂળની પત્રકાર અને વકીલ મરીના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2018માં આ યુગલે જાહેરાત કરી હતી કે 25 વર્ષના લગ્નજીવન બાદ તેઓ છૂટાં પડી રહ્યા છે અને 2020માં તેમણે સત્તાવાર છૂટાછેડા લીધા હતા. ખાસ વાત છે કે, વ્હીલર સાથેના સંબંધથી બોરિસને ચાર બાળકો છે, અને તેની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી આર્ટ કન્સલ્ટન્ટ હેલેન મેકેન્ટાયરથી એક બાળક છે.
નોંધનીય છે કે, બ્રિટનમાં કોઇ પ્રધાનમંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હોય તેવું 200 વર્ષ બાદ બન્યું છે, છેલ્લે વર્ષ 1822માં તત્કાલિન પ્રાઇમ મિનીસ્ટર રોબર્ટ બેન્ક્સ જેકિન્સને તેમના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હતા.