લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેની મંગેતર કેરી સાઈમંડ્સે તેમના દાદા અને બે ડોકટરોના નામ પરથી નવજાત પુત્રનું નામ વિલ્ફ્રેડ લૉરી નિકોલસ રાખ્યું છે. આ બંને ડોક્ટરોએ કોવિડ-19 સંક્રમણની સારવાર કરીને બોરિસ જૉનસનનો જીવ બચાવ્યો હતો.


સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતાં 32 વર્ષીય કેરી સાઈમંડ્સે કહ્યું, પુત્રનું નામ તેના દાદા લૉરી, જૉનસનના દાદા વિલ્ફ્રેડ અને ગત મહિને જૉનસનની સારવાર કરનારા ડોક્ટરો નિક પ્રાઇસ અને નિક હાર્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે.



વિલ્ફ્રેડ લૉરી નિકોલસ જોનસનનો જન્મ બુધવારે લંડન સ્થિત યૂનિવર્સિટી કોલેજ હોસ્પિટલમાં થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર બાળકના નામની જાહેરાત કરીને સાઈમંડ્સે હોસ્પિટલના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

બાળકના જન્મના થોડા દિવસ પહેલા જ 55 વર્ષીય જૉનસનને સેંટ થોમસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી જૉનસને કામકાજ શરૂ કર્યાના બે દિવસ બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો.