નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે આજ યુદ્ધનો 12માં દિવસ છે. પુતિનની સેના સતત યૂક્રેનના શહેરોને તબાહ કરી રહી છે. ત્યારે દુનિયાના દેશોમાં ફરી એકવાર ચિંતા પેઠી છે કે જો યુદ્ધ વધુ લાંબુ ચાલશે તો વિશ્વ યુદ્ધની પરિસ્તિતિ આવી શકે છે અને એટોમિક વૉર ચાલુ થઇ શકે છે. આ વાતને લઇને અમેરિકા, યુરોપિયન યૂનિયન અને અન્ય દેશો રશિયા પર દબાણ લાવીને યુદ્ધને રોકવા માટે પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ રાષ્ટ્રપતિ પુતિન માનવા તૈયાર નથી. 


રશિયાને યુદ્ધમાં રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ પ્રયાસો તેજ કર્યા છે. રશિયા વિરુદ્ધ સતત વૉટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ત્રણ વાર વૉટિંગ થઇ ચૂક્યું છે. પરંતુ ભારત એકવાર પણ વૉટિંગમાં સામેલ નથી થયુ. ભારતના આ વલણને લઇને અમેરિકા બાદ હવે બ્રિટન ભડક્યુ છે. 


રશિયાના નજીકના ગણાતા ભારત અને ચીને હજુ સુધી રશિયા પર થયેલા વોટિંગમાં ભાગ લીધો નથી અને રશિયાના હુમલાની ટીકા પણ કરી નથી. આને લઈને બ્રિટનના નાયબ વડાપ્રધાન ડોમિનિક રાબે રવિવારે ભારત અને ચીનને રશિયા પર રાજદ્વારી દબાણ વધારવામાં મદદ કરવાનુ આહ્વાન કર્યુ છે.


બ્રિટનને ભારત અંગે શું કહ્યું -
બ્રિટિશ નાયબ વડાપ્રધાને કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન એક સ્થાયી સદસ્ય છે અને ભારતને પણ સદસ્યતા મળી છે તેથી આ દેશોને આગળ આવવાની જરૂર છે. રાબે કહ્યુ, ચીન સભ્ય છે, તેણે પણ પગલુ વધારવુ પડશે. ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનુ સ્થાયી સદસ્ય છે અને ભારતે પણ આગળ આવવુ પડશે. આપણે રાજકીય દબાણ વધારવાની જરૂર છે.


ગયા શુક્રવારે યુક્રેન પર રશિયન હુમલા દરમિયાન માનવાધિકારોના ઉલ્લંઘનની તપાસને લઈને વોટિંગ થઈ હતી. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર સ્વતંત્ર તપાસ આયોગની રચનાની વાત કહેવામાં આવી. આયોગની રચનાને લઈને થયેલી વોટિંગમાં ભારતે ભાગ લીધો નહીં.


અગાઉ પણ ભારતે ચીન અને સંયુક્ત અરબ અમીરાતની સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા સાથે સંબંધિત એક પ્રસ્તાવ પર મતદાનથી પોતાને દુર રાખ્યા હતા. પ્રસ્તાવમાં યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવામાં આવી હતી અને તરત યુદ્ધ રોકવાની વાત કહી હતી.