Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહી સલામત વતન લાવવા સરકારે મિશન ગંગા ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત સ્પેશિયલ ફ્લાઇટમાં ભારતીયોને હેમખેમ માદરે વતન લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો ભારતીયો ક્ષેમકુશળ વતન પહોંચી ચુક્યા છે. આ દરમિયાન ડોનબાસમાં રહેતા એક ભારતીય ડોક્ટરે વતન આવવી ના પાડી છે.


ડોનબાસમાં રહેતા જાણીતા ભારતીય ડોક્ટર ગિરીકુમાર પાટીલે તેમના પાલતુ જગુઆર અને પેન્થર વગર યુક્રેન છોડવાનો ઈન્કાર કર્યો છે. તેઓ જગુઆર કુમાર તરીકે અહીં જાણીતા છે. તેમણે કહ્યું કે, હું આ બંને સાથા મારા બાળકો જેવો વ્યવહાર કરું છું. મેં એમ્બેસીને ફોન કર્યો પણ મને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. મારું મકાન રશિયનોથી ઘેરાયેલું છે પણ હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું.






મોદીએ પુતિન સાથે 50 મિનિટ કરી વાત


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, સરકારી સૂત્રોએ જણાવ્યું પીએમ મોદીએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિ સાથે ફોન પર 50 મિનિટ વાત કરી. જેમાં તેઓ યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરી. પુતિને તેમને યુક્રેનિયન અને રશિયન ટીમ વચ્ચે વાટાઘાટોની સ્થિતિ અંગે માહિતગાર કર્યા.


સૂત્રોના કહેવા મુજબ PM એ રાષ્ટ્રપતિ પુતિનને વિનંતી કરી કે તેઓ બંને દેશોની ટીમો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે સીધી વાતચીત કરે. પીએમ મોદીએ યુક્રેનના કેટલાક ભાગોમાં યુદ્ધવિરામ અને માનવતાવાદી કોરિડોરની સ્થાપનાની જાહેરાતની પ્રશંસા કરી, જેમાં સુમીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને તેમના સુરક્ષિત સ્થળાંતર માટે તમામ શક્ય સહયોગની ખાતરી આપી હતી.