નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન બાદ હવે આરોગ્યમંત્રી(રાજ્ય) મેટ હેન્કોક પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મેટ હેન્કોકનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેની જાણકારી તેમણે ખુદ ટ્વિટ કરીને આપી છે.


એક જ દિવસમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ અને આરોગ્યમંત્રી કોરોનાથી સંક્રમિત થતા બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે. આ પહેલા શાહી પરિવારના સભ્ય પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોનાથી સંક્રમતિ થઈ ચૂક્યા છે.

મેટ હેન્કોકે કહ્યું કે, તેઓ ઘરેથી જ કામ કરી રહ્યાં છે અને પોતાને આઈસોલેટ કરી દીધાં છે. શુક્રવારે મંત્રી મેટ હેન્કોકે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, મેડિકલ એડવાઈસ અનુસાર મને કોરોના વાયરસની તપાસ કરવાની સલાહ આપવામાં આવી હતી. ટેસ્ટમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જો કે, મારામાં લક્ષણો નરમ છે અને ઘરથી જ કામ કરી રહ્યો છું અને ખુદને આઈસોલેટ કરી દીધો છે.


બ્રિટનમાં કોરોના વાયરસના 11 હજાર 800થી વધુ કેસ સામે આવ્યા છે. આ વાયરસના કારણે 580 લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વભરમાં 5 લાખ 33 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને 24 હજાર 99 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.