બલ્ગેરીયાના પશ્ચિમી ભાગમાં મંગળવારે હાઈવે પર ઉત્તરી મેસેડોનિયાઈ નંબર પ્લેટ વાળી બસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં લગભગ 46 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. મૃતકોમાં બાળકો પણ સામેલ છે.ગંભીર રીતે દાઝી જનારા લોકોને રાજધાની સોફિયાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
નિકોલાઈ નિકાલોવીએ જણાવ્યું કે બસમાં આગને કારણે 46 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના સ્થાનીય સમયાનુસાર મધ્યરાત્રિએ બે વાગે થઈ હતી. સોફિયામાં નોર્થ મેસેડોનિયાના દૂતાવાસના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર મેસેડોનિયાના નાગરિકો હતા. અધિકારીએ જણાવ્યું કે આગ કયા કારણોસર લાગી તે ઘટનાની હજુ સુધી જાણી શકાઈ નથી. એ પણ જાણી શકાયું નથી કે આગ ક્રેશ પહેલા કે પછી લાગી હતી. હાલ ઘટના સ્થળને સીલ કરી દેવાયું છે.
અધિકારીઓએ એ વાતની પુષ્ટી કરી છે કે મૃતકોમાં નોર્થ મેસેડોનિયાના રહેવાસી અને બાળકો પણ સામેલ છે. સોફિયાથી અંદાજીત 45 કીલોમિટર પશ્ચિમમાં સ્ટુમા હાઈવે પર દર્દનાક ઘટના સર્જાઈ હતી. ઘટના સમયે બસમાં કુલ 53 મુસાફરો સવાર હતા. સોફિયાના ઈમરજન્સી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે સળગતા શરીરે સાત લોકોએ બસમાંથી જીવ બચાવવા માટે છલાંગો લગાવી દીધી હતી. તેમણે જણાવ્યું તે હાલમાં સાત લોકોની સ્થિતિ સારી છે.
અરવલ્લીઃ માલપુરના સોનિકપુર ગામ પાસે ગઈ કાલે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. અકસ્માતમાં વધુ એક ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. લગ્નપ્રસંગ પતાવી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો. રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. ગંભીર રીતે ઘાયલ ચાર અમદાવાદ લોકોને ખસેડાયા હતા.અકસ્માતમાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. ગઈ કાલે આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા. માલપુર પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક અકસ્માતમાં કચ્છમાં ભુજના દેશલપર (વાઢાય) પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દાદા દાદી પાર્ક પાસે અકસ્માતમાં બોલેરામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. બોલેરોમાં સવાર અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 વડે હોસ્પિટલમાં ખસેડાયા છે. સવારના 7.15 સર્જાયેલા અકસ્માતમાં બોલેરોનો ભુક્કો બોલી ગયો. બોલેરોમાં પવનચક્કીના કર્મચારીઓ સવાર હતા. ઇજાગ્રસ્તોમાં 1 થી 2 જણની હાલત નાજુક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. સ્કૂલ બસમાં સવાર બાળકો હેમખેમ છે. કોઈને પણ ઇજા પહોંચી નથી.
બનાસકાંઠામાં પાલનપુર આબુરોડ હાઇવે પર વહેલી સવારે 5.30 આસપાસ થયો અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરિયો ભરેલા ટ્રકે પલ્ટી મારી હતી. અકસ્માતમાં ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી. તાલુકા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસે ક્રેન બોલાવી કારના પતરા કાપી એક યુવકને જીવતો કાઢ્યો બહાર. યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડાયો.