California plane crash San Diego: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિએગોમાં આજે સવારે (ગુરુવારે) એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે વિમાન ક્રેશ થવાને કારણે આસપાસના ૧૫ જેટલા ઘરોમાં પણ ભીષણ આગ લાગી ગઈ હતી.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આજે સવારે (ગુરુવારે) એક કરુણ ઘટના બની હતી, જ્યારે સાન ડિએગો વિસ્તારમાં એક નાનું વિમાન ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ક્રેશ થયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેના કારણે આસપાસના ૧૫ જેટલા ઘરોમાં આગ ભભૂકી ઉઠી હતી. સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાની આશંકા છે, જોકે મૃત્યુઆંક અંગે સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

ઘટનાસ્થળે ભયાવહ દ્રશ્યો

વિમાન દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પરના ઘણા ચિત્રો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં અનેક ઘરો આગની લપેટમાં જોવા મળે છે. ફાયર વિભાગના એક અધિકારીએ એપીને જણાવ્યું હતું કે, વિમાન ક્રેશ થયા પછી જેટ ઇંધણ ચારે બાજુ ફેલાઈ ગયું હતું, જેના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. "અમારું પહેલું લક્ષ્ય અહીં હાજર બધા ઘરોની શોધખોળ કરવાનું અને ત્યાં હાજર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું છે," તેમ અધિકારીએ ઉમેર્યું હતું. અકસ્માત સ્થળને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું છે.

સેસ્ના ૫૫૦ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

પ્રાથમિક અહેવાલો અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન સેસ્ના ૫૫૦ એરક્રાફ્ટ હતું, જેનું નિર્માણ સેસ્ના એરક્રાફ્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકારનું વિમાન છ થી આઠ લોકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે સેસ્ના ૫૫૦ વિમાન મોન્ટગોમરી-ગિબ્સ એક્ઝિક્યુટિવ એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ અજાણ છે, અને આ અકસ્માતમાં કોઈ ઘાયલ થયું છે કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા નથી.

ધુમ્મસના કારણે અકસ્માત

ફાયર વિભાગના વડા ડેન એડીએ જણાવ્યું હતું કે, જે સમયે વિમાન ક્રેશ થયું તે સમયે વાતાવરણમાં ઘણું ધુમ્મસ હતું, જે અકસ્માતનું સંભવિત કારણ હોઈ શકે છે. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ કરી રહી છે. આસપાસના ઘરોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.