National Guard Controversy: કેલિફોર્નિયા સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોટું પગલું ભર્યું છે. સરકારે લોસ એન્જલસમાં ગવર્નરની મંજૂરી વિના 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવા બદલ સત્તાવાર રીતે દાવો દાખલ કર્યો છે. રાજ્યના અધિકારીઓનું કહેવું છે કે આ નિર્ણય કાયદાની વિરુદ્ધ છે અને પહેલાથી જ તંગ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
એટોર્ની જનરલ રોબ બોન્ટાએ ટ્રમ્પ સામે લગાવ્યા આ આરોપો
એટોર્ની જનરલ રોબ બોન્ટાએ સોમવારે આ બાબતની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની મર્યાદા ઓળંગી છે. તેમણે ગવર્નર ગેવિન ન્યૂસમની સંમતિ વિના સૈનિકો મોકલ્યા, જે ગેરબંધારણીય છે." બોન્ટાએ વધુમાં કહ્યું કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનો હુમલો કે કોઈ બળવો થઈ રહ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, "રાષ્ટ્રપતિ ફક્ત રાજકીય લાભ માટે કટોકટી અને અરાજકતા ફેલાવવા માંગે છે."
કેલિફોર્નિયા સરકારે તેના મુકદ્દમામાં શું કહ્યું?
કેલિફોર્નિયા સરકારે તેના મુકદ્દમામાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ કાયદાનો દુરુપયોગ કર્યો છે, જે રાષ્ટ્રપતિને ફક્ત ખાસ પરિસ્થિતિઓમાં જ સૈનિકો તૈનાત કરવાની મંજૂરી આપે છે. જેમ કે બાહ્ય હુમલો અથવા મોટા પાયે બળવો થાય છે. રાજ્ય સરકાર કહે છે કે હાલમાં આવી કોઈ કટોકટી અસ્તિત્વમાં નથી.
જાણો આખો વિવાદ કેવી રીતે શરૂ થયો?
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે લોસ એન્જલસમાં ઇમિગ્રેશન દરોડા સામે હિંસક વિરોધ પ્રદર્શન થયા અને ટ્રમ્પ વહીવટીતંત્રે રાજ્યની સંમતિ વિના 2,000 નેશનલ ગાર્ડ મોકલ્યા હતા પરંતુ ગવર્નર ગેવિન ન્યૂસમ અને અન્ય ડેમોક્રેટ નેતાઓનું કહેવું છે કે પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી રાજ્યની છે અને ફેડરલ હસ્તક્ષેપની કોઈ જરૂર નહોતી.
ગવર્નર ન્યૂસમે ટ્રમ્પ વહીવટીતંત્રને પત્ર લખ્યો
ગવર્નર ન્યૂસમે ટ્રમ્પ વહીવટીતંત્રને પત્ર લખ્યો, જે સંરક્ષણ સચિવ પીટ હેગસેથને સંબોધિત હતો. તેમણે કહ્યું, "લોસ એન્જલસમાં સૈનિકોની તૈનાતી બિનજરૂરી છે. તે રાજ્યની સ્વાયત્તતા પર સીધો હુમલો છે. પરિસ્થિતિને વધુ તંગ બનાવવા માટે આ પગલું જાણી જોઈને લેવામાં આવ્યું છે."
ન્યૂસમે ટ્રમ્પ વિશે મોટી વાત કહી
MSNBCને આપેલા ઇન્ટરવ્યૂમાં ન્યૂસમે કહ્યું હતુ કે, "ટ્રમ્પ આ સમગ્ર મામલામાં આગમાં ઘી ઉમેરી રહ્યા છે. આ માત્ર ગેરકાયદેસર જ નથી, પણ અનૈતિક અને ગેરબંધારણીય પણ છે. અમે આ નિર્ણયને કોર્ટમાં પડકારીશું." ગવર્નર માને છે કે આ પગલું સંપૂર્ણપણે રાજકીય હેતુઓથી પ્રેરિત હોઈ શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના નિર્ણયથી પાછળ હટવા તૈયાર નથી
કેલિફોર્નિયા સરકાર અને નેતાઓના વિરોધ છતાં ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના નિર્ણયથી પાછળ હટવા તૈયાર નથી લાગતું. પેન્ટાગોને સ્પષ્ટપણે કહ્યું છે કે જરૂર પડ્યે વધુ સૈનિકો તૈનાત કરવામાં આવશે.
રવિવારે યુએસ નોર્ધન કમાન્ડે માહિતી આપી હતી કે દક્ષિણ કેલિફોર્નિયામાં તૈનાત 500 મરીન સૈનિકોને લોસ એન્જલસ મોકલવા માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. એટલે કે પરિસ્થિતિ વધુ વણસે તો તાત્કાલિક વધુ દળો મોકલી શકાય છે.