Canada Latest News: કેનેડાએ યુ ટર્ન માર્યો છે. કેનેડા સરકારે કહ્યું છે કે ખાલિસ્તાની સમર્થક નેતા હરદીપ સિંહ નિજ્જરના સહયોગી પર હુમલામાં કોઈ વિદેશી હસ્તક્ષેપ નથી. મંગળવાર, ફેબ્રુઆરી 20, 2024ના રોજ કેનેડિયન કાયદા અમલીકરણ દ્વારા એક પ્રકાશન જારી કરવામાં આવ્યું હતું. આ પ્રકાશનમાં, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની સરે ટીમે માહિતી આપી હતી કે ઘટના સમયે, એવી અટકળો હતી કે આ બાબત વિદેશી દેશની દખલગીરી સાથે સંબંધિત છે. જો કે, જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે, આ બાબતે કોઈ વિદેશી હસ્તક્ષેપની પુષ્ટિ મળી ન હતી.


શીખ ફોર જસ્ટિસે લગાવ્યો હતો આરોપ


અગાઉ, શીખ ફોર જસ્ટિસ (SFJ) જૂથે આરોપ લગાવ્યો હતો કે 1 ફેબ્રુઆરીની સવારે સિમરનજીત સિંહના ઘર પર થયેલા હુમલામાં ભારતનો હાથ હતો. SFJએ 12 ફેબ્રુઆરીએ ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં થયેલા હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ હુમલામાં ઈન્દ્રજીત સિંહ ગોસલના નિર્માણાધીન ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈન્દ્રજીત પર કથિત રીતે ખાલિસ્તાન જનમતમાં મદદ કરવાનો આરોપ હતો.


ગયા વર્ષે હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી


આ પહેલા ગયા વર્ષે 18 જૂનના રોજ હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરદીપની ઓળખ ખાલિસ્તાન તરફી નેતા તરીકે થઈ હતી. તેની હત્યા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેની પાછળ ભારત સરકારનો હાથ છે. જો કે ભારતે હંમેશા આ આરોપને ફગાવી દીધો છે.