Canada Police: કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં નિવેદન જાહેર કર્યું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદી નિજ્જરની હત્યાની સક્રિય તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા 45 વર્ષીય નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની હત્યાની તપાસ કેનેડિયન પોલીસની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT) દ્વારા કરવામાં આવી રહી છે.


IHITના પ્રવક્તા સાર્જન્ટ ટિમોથી પીએરોટીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના અહેવાલોથી વાકેફ છીએ. કેસ હજુ તપાસ હેઠળ હોવાથી હું પોલીસ દ્વારા એકઠા કરાયેલા પુરાવા પર કોઇ ટિપ્પણી કરી શકતો નથી. તેમણે કહ્યું હતું કે પોલીસે પુરાવાના આધારે વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી છે અને કેસ સંબંધિત તમામ વીડિયો ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.


દરમિયાન, બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબે એ વાતની તપાસ શરૂ કરી છે કે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે નિજ્જરની હત્યાના સીસીટીવી ફૂટેજ કેવી રીતે મેળવ્યા. નોંધનીય છે કે નિજ્જરની ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબમાં હત્યા કરવામાં આવી હતી. ગુરુદ્વારાના પ્રવક્તા ગુરકીરત સિંહે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે આ વીડિયો મીડિયા અને લોકો માટે જાહેર કરવામાં આવ્યા નથી કારણ કે કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. હવે આ વીડિયો કોઈને આપવામાં આવશે નહીં. સિંહે કહ્યું કે તેમણે હત્યા સાથે સંબંધિત વીડિયો ઘણી વખત જોયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યા સમજી વિચારીને કરવામાં આવી હતી. આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી હરદીપ સિંહની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. તેને ખબર હતી કે નિજ્જર ક્યાં જાય છે અને ક્યારે તે ગુરુદ્વારામાંથી બહાર આવે છે.


કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં જ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જે પછી આ મામલો વિવાદમાં આવ્યો હતો. ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. જોકે, ભારતે ટ્રુડોના આરોપને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે.