US Canada Trade War: વિશ્વની બે સૌથી મજબૂત અર્થવ્યવસ્થા ધરાવતા દેશો અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલું 'ટ્રેડ વોર' (વેપાર યુદ્ધ) હવે ખૂબ જ તીવ્ર અને ભયાનક મોડ પર પહોંચી ગયું છે. યુએસ દ્વારા તાજેતરમાં લેવાયેલા ટેરિફના નિર્ણયોના જવાબમાં કેનેડાએ પણ હવે સણસણતો પ્રહાર કર્યો છે. કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર આશરે $20 બિલિયન (અંદાજે $19.94 બિલિયન) ની તોતિંગ કસ્ટમ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આટલું જ નહીં, આ વેપાર યુદ્ધની દેશના સ્થાનિક વેપારીઓ અને કર્મચારીઓ પર માઠી અસર ન પડે તે માટે કેનેડિયન સરકારે બહુ-અબજ ડોલરના ખાસ સહાયક પેકેજની પણ જાહેરાત કરી છે.
8 સપ્ટેમ્બરથી લાગુ થશે આકરો ટેરિફ
કેનેડાનો આ પ્રતિશોધક ટેરિફ આવનારી 8 સપ્ટેમ્બરથી વિધિવત રીતે લાગુ કરી દેવામાં આવશે. આ નિર્ણય હેઠળ અમેરિકાથી આયાત થતી અંદાજે 700 જેટલી વિવિધ પ્રોડક્ટ્સને આવરી લેવામાં આવી છે, જેના પર 15% થી લઈને 50% સુધીની ભારે કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવશે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો સતત વણસી રહ્યા હતા, અને હવે કેનેડાના આ આકરા વલણથી બંને દેશો સામસામે આવી ગયા છે.
હકીકતમાં, શનિવારે યુએસ અને કેનેડા વચ્ચે આ મુદ્દે યોજાયેલી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો સાવ નિષ્ફળ ગઈ હતી, જેના પરિણામે કેનેડાએ વોશિંગ્ટનના નિર્ણયના જવાબમાં જ આ તુલનાત્મક આકરા પગલાં ભર્યા છે.
કઈ પ્રોડક્ટ્સ પર કેટલો ટેરિફ લાગશે?
કેનેડાના નાણા મંત્રાલયના અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યા મુજબ, અલગ-અલગ વસ્તુઓ પર નીચે મુજબ ટેરિફ લાદવામાં આવ્યો છે:
સ્ટીલ, એલ્યુમિનિયમ, ફર્નિચર અને કપડાં: આ વસ્તુઓ પર સૌથી વધુ એટલે કે 50% સુધીનો ટેરિફ ઝીંકાયો છે.
ઘરગથ્થુ ઉપકરણો (Home Appliances) અને સીફૂડ: આ પ્રોડક્ટ્સ પર 25% ડ્યુટી લાગશે.
ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય સાધનો: આ વસ્તુઓ પર 15% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવશે.
કેનેડાના નાણામંત્રીએ શું સ્પષ્ટતા કરી?
કેનેડાના નાણામંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓટ્ટાવા (કેનેડા સરકાર) એ ભૂતકાળના વ્યાપારી વિવાદોના અનુભવોને આધારે ખૂબ જ સંતુલિત અને પ્રમાણસર અભિગમ અપનાવ્યો છે અને ચોક્કસ ઉત્પાદનો સુધી જ આ ટેરિફ મર્યાદિત રાખ્યો છે. તેમણે ઉમેર્યું કે અમેરિકાના તાજેતરના ટેરિફથી કેનેડાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (SMEs) ને મોટો ફટકો પડી શકે તેમ હતો. તેથી સરકારે ટેરિફ લાદવાની સાથે સાથે એક મોટું સપોર્ટ પેકેજ પણ આપ્યું છે, જેથી દેશની કંપનીઓ સ્થાનિક સ્તરે મજબૂતીથી સ્પર્ધામાં ટકી રહે.
આ પણ વાંચોઃ વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
2025 થી ચાલી રહ્યો છે આ વિવાદ
અમેરિકા અને કેનેડા વચ્ચેના આ વેપાર યુદ્ધના મૂળ વર્ષ 2025 માં પડેલા છે. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ સુરક્ષા અને ફેન્ટાનાઇલ (ડ્રગ્સ) ની ગેરકાયદેસર તસ્કરીનો મુદ્દો આગળ ધરીને કેનેડિયન પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની શરૂઆત કરી હતી.
સામાન્ય રીતે, ટેરિફ એ આયાતી સામાન પર લાગતો ટેક્સ છે, જેનો આખરી નાણાકીય બોજ સ્થાનિક વેપારીઓ અને આખરે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર જ પડે છે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે કેનેડા અને અમેરિકા વચ્ચેનો મોટાભાગનો દ્વિપક્ષીય વેપાર 'કેનેડા-યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો કરાર' (CUSMA) ના દાયરા હેઠળ જ થાય છે, છતાં પણ બંને દેશો વચ્ચેનો આ ટેરિફ વિવાદ સતત વકરી રહ્યો છે.
