Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પશ્ચિમી દેશો યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે. આ દેશો યુક્રેનને હથિયાર આપીને પણ મદદ કરી રહ્યા છે. કેનેડા યુક્રેનને ચાર Leopard 2 યુદ્ધ ટેન્ક મોકલશે. કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદે ગુરુવારે આ વાતની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે જર્મનીએ આ અઠવાડિયે અન્ય દેશોમાં જર્મન બનાવટની ટેન્કો ફરીથી નિકાસ કરવાની મંજૂરી આપ્યા પછી અમે યુક્રેનને 4 ટેન્ક મોકલવાનો નિર્ણય લીધો છે.






આનંદે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, આ બે ટેન્ક યુક્રેનની સશસ્ત્ર દળોને રશિયન આક્રમણ સામે તેમના સંરક્ષણમાં ઘણી મદદ કરશે. આ પહેલા પણ કેનેડા યુક્રેનને રશિયન સેના સામે લડવા માટે ઘણા પ્રકારના હથિયાર આપી ચૂક્યું છે. હવે આ ટેન્ક મળવાથી યુક્રેનની સેના મજબૂત થશે.






અમેરિકા અને જર્મનીએ બે દિવસ પહેલા જાહેરાત કરી હતી


નોંધનીય છે કે જર્મની અને અમેરિકાએ બે દિવસ પહેલા યુક્રેનને ભારે ટેન્ક આપવાની જાહેરાત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સે બુધવારે કહ્યું હતુ કે તે યુક્રેનને 31 અબ્રામ્સ ટેન્ક આપશે, જ્યારે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે 14 લેપર્ડ 2 ટેન્ક મોકલવાની મંજૂરી આપી હતી.


આ બે સિવાય બ્રિટિશ સરકારે કહ્યું હતું કે તે માર્ચના અંતમાં ટેન્ક મોકલી શકે છે. આગામી સપ્તાહથી આ ટેન્કની ટ્રેનિંગ શરૂ થશે. પશ્ચિમી દેશો યુક્રેનને આર્ટિલરીથી લઈને પેટ્રિયોટ એન્ટી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સુધી બધું જ આપી ચૂક્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ પણ લાંબા સમયથી ટેન્કની માંગ કરી રહ્યા હતા.


જર્મનીના સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોરિયસે ગુરુવારે કહ્યું હતું કે અમે માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતમાં અમારી લેપર્ડ ટેન્ક યુક્રેન મોકલીશું. જર્મનીએ યુક્રેનની સેનાને આ ટેન્કો ચલાવવા માટે તાલીમ આપવાનું શરૂ કર્યું છે.