Corona Case Rising Zhejiang : ચીનમાં કોરોના વાયરસ સતત તબાહી મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સૌથી ખરાબ સ્થિતિ ઝેજિયાંગ પ્રાંતમાં જોવા મળી રહી છે. અહીં કોરોના વાયરસના કારણે દરરોજ લગભગ 10 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. ઝેજિયાંગ ચીનના ઔદ્યોગિક શહેર શાંઘાઈની નજીક જ આવેલું છે. પ્રાંતીય સરકાર દ્વારા આ મામલે કહેવામાં આવ્યું હતું કે, આગામી થોડા દિવસોમાં અહીં કોરોનાના નવા કેસ બમણા થઈ શકે છે. પરંતુ સૌથી આશ્ચર્યની અને રાહત ભરી વાત એ છે કે કેસ વધવા છતાં પણ કોરોનાને કારણે કોઈ મૃત્યુ નથી નોંધાઈ રહ્યું.


ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, દેશના કોરોના વાયરસ કેસમાં રેકોર્ડ ઉછાળો હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી ચીનમાં મૃત્યુનો કોઈ જ કેસ નોંધાયો નથી. નાગરિકો અને નિષ્ણાતો પાસેથી સચોટ ડેટાની માંગણી કરવામાં આવી રહી છે. ચીનમાં ઝીરો કોવિડ પોલિસીને અચાનક નાબૂદ કર્યા બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. નેચીનમાં આંકડા ત્યારે વધુ અધૂરા બની જાય છે જ્યારે નેશનલ હેલ્થ કમિશને કોઈ જ લક્ષણો વગરના કોરોનાના કેસનો રિપોર્ટ જ આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે કોરોનાના કેસને ટ્રેક કરવા મુશ્કેલ બની ગયા છે. ઝેજિયાંગ એવા ક્ષેત્રોમાંનું એક છે જ્યાં લક્ષણો વિના કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.


કોરોનાના કેસ છુપાવતુ ચીન 


ઝેજિયાંગ સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, નવા વર્ષ સુધીમાં સંક્રમણ તેની પિક પર પહોંચી જાય તેવી શક્યતા છે. આમ થવા પર અહીં દરરોજ કોરોનાના નવા કેસની સંખ્યા 20 લાખની નજીક પહોંચી શકે છે. ઝેજિયાંગની વસ્તી 65.4 મિલિયન છે. લાખો કેસ હોવા છતાં ચીન ચેપને છુપાવી રહ્યું છે. ઝેજિયાંગ પ્રાંતે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં 13,583 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. એક દર્દી કોરોનાને કારણે ગંભીર હતો. ચીને પણ કોરોનાથી થતા મૃત્યુ પર મહદ અંશે નિયંત્રણ મેળવી લીધું છે જેના કારણે અહીં મૃત્યું પણ મર્યાદિત બન્યા છે. ચીનમાં કોરોનાથી ફક્ત તે જ મૃત્યુની ગણતરી કરવામાં આવે છે જેમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હોય છે. જોકે દુનિયાભરના નિષ્ણાતોએ ચીનની આ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.


ચીન માટે સૌથી ખતરનાક અઠવાડિયું


અહેવાલ અનુસાર કેપિટલ ઇકોનોમિક્સના એક રિસર્ચ નોટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન મહામારીનું સૌથી ખતરનાક સપ્તાહ હવે નજીક આવી રહ્યું છે. સત્તાવાળાઓ ઈન્ફેક્શન ઘટાડવા માટે લગભગ કોઈ પ્રયાસ કરવાનું જ બંધ કરી દીધું છે. એટલે કે સ્થિતિ રામભરોશે છોડી દેવામાં આવી છે. તાજેતરના દિવસોમાં કિન્ગદાઓ અને ડોંગગુઆન શહેરમાં પણ દરરોજ હજારો કોરોના સંક્રમણના કેસ આવવાનો અંદાજ છે.