Coronavirus: મોદીની મદદની ઓફર પર ચીને કહ્યુ- આ ભારત અને ચીનની મિત્રતા બતાવે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Feb 2020 04:33 PM (IST)
ચીની વિદેશ મંત્રાલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી કોરોના વાયરસને લઇને જે મદદની વાત કરવામાં આવી છે આ માટે અમે આભાર માનીએ છીએ
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસની અસર સતત વધી રહી છે. ચીન સાથે તેની અસર દુનિયાના અન્ય દેશોમાં પણ થઇ રહી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને કોઇ પણ પ્રકારની મદદની ઓફર કરી હતી. વડાપ્રધાનના પત્ર બાદ ચીની વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે અને આ ઓફરને ભારત અને ચીનની ગાઢ મિત્રતાનું પ્રતિક ગણાવ્યું હતું. ચીની વિદેશ મંત્રાલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી કોરોના વાયરસને લઇને જે મદદની વાત કરવામાં આવી છે આ માટે અમે આભાર માનીએ છીએ. ભારત દ્ધારા આ પ્રકારની મદદની ઓફર કરવી બંન્ને દેશો વચ્ચેની ગાઢ મિત્રતા દર્શાવે છે.અમે ભારત અને દુનિયાના તમામ દેશો સાથે કામ કરવા તૈયાર છીએ જેથી આ વાયરસ વિરુદ્ધની લડાઇ જીતી શકાય. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. જેમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે ચીનમાં થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને ભારત તરફથી કોઇ પણ પ્રકારની મદદની ઓફર કરાઇ હતી.