China Reports Corona Death : જ્યારથી કોરોના વાયરસ સામે આવ્યો છે ત્યારથી તેની ઝપટમાં આવીને થતા મોતને લઈને ચીન દુનિયા સામે સતત જુઠ્ઠાણું ચલાવતુ રહે છે. અત્યાર સુધીમાં ચીને એક વાર પણ કોરોનાથી પોતાને ત્યાં થયેલા લોકોના મોતના આંકડા ક્યારેય જાહેર કર્યા નથી અને કર્યા છે તો એવા કે જેના પર કોઈને ય વિશ્વાસ જ ના બેસે. પરંતુ આજે ચીને ચોથી લહેરમાં જે લોકોના મોત નિપજ્યા છે તેના આંકડા જાહેર કર્યા છે જેને લઈને દુનિયાભરમાં સનસનાટી મચી જવા પામી છે. 


ચીને છેલ્લા 35 દિવસમાં કોરોનાથી થયેલા લોકોના મોતના આંકડા જાહેર કર્યા છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, ચીને કોરોનાના કારણે મૃત્યું પામેલા લોકોના જે આંકડા જાહેર કર્યા છે તે હોસ્પિટલમાં થયેલા મોતના આંકડા જ છે. કોરોનાના કારણે જે લોકોના તેમના ઘરમાં કે અન્ય જગ્યાએ મોત થયા તેના આંકડા આ યાદીમાં શામેલ કરાયા નથી.  


ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે ડિસેમ્બરની શરૂઆતથી છેલ્લા 35 દિવસમાં દેશમાં કોવિડ-19થી 59,938 લોકોના મોત થયા છે. અગાઉ ચીને હંમેશા રોગચાળાને નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો. છેલ્લા દોઢ મહિનામાં મૃત્યુનો આ આંકડો દર્શાવે છે કે ચીનમાં કોરોનાએ કેટલી તબાહી મચાવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીકા બાદ ચીને કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બેઈજિંગ રોગચાળા સાથે સંબંધિત સંપૂર્ણ ડેટા જાહેર નથી કરી રહ્યું. જેથી કોરોના રોગચાળાની પેટર્નને સમજવી મુશ્કેલ બની રહી છે. સેટેલાઇટ તસવીરોમાં ચીનના સ્મશાનગૃહોની સામે વાહનોની લાંબી લાઇનો પણ જોવા મળી હતી પરંતુ ચીન ક્યારેય સાચા આંકડા જાહેર કરતું નહોતું.


આ આંકડો માત્ર 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધીનો જ


રાષ્ટ્રીય આરોગ્ય આયોગે આજે જણાવ્યું હતું કે, સત્તાવાર મીડિયા અહેવાલો અનુસાર, 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધીમાં દેશની હોસ્પિટલોમાં COVID-19 થી 59,938 લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય આયોગના વરિષ્ઠ અધિકારી જિયાઓ યાહુઈએ જણાવ્યું હતું કે, 5,503 લોકો શ્વાસ સંબંધી સમસ્યાઓના કારણે મૃત્યુ પામ્યા હતા અને 54,435 લોકો કોવિડ-19ની સાથે અન્ય બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.


આ માત્ર હોસ્પિટલના મૃત્યુના જ આંકડા


ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું કે, આ મૃત્યુ હોસ્પિટલોમાં થયા છે. એવી પણ આશંકા સેવાઈ રહી છે કે, કોરોનાના કારણે અનેક લોકોના તેમના ઘરોમાં પણ મોત થયા હોઈ શકે છે. ચીનની સરકારે અચાનક એન્ટી-એપીડેમિક પગલાં ઉઠાવ્યા બાદ ડિસેમ્બરની શરૂઆતમાં COVID-19 કેસ અને મૃત્યુની જાણ કરવાનું બંધ કરી દીધું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનને આ વિશે વધુ માહિતી આપવા કહ્યું હતું.