China News:  ચીનની એક શાળાએ છોકરીઓને જાતીય સતામણીથી બચવા માટે વધુ મજાક ન કરવાની અને સાધારણ કપડાં પહેરવાની સલાહ આપી છે. સ્કૂલની આ સલાહ હાલમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર સ્કૂલના આ આદેશની ઘણી ટીકા થઈ રહી છે.


વાસ્તવમાં આ સમગ્ર મામલો દક્ષિણ ચીનની એક મિડલ સ્કૂલ સાથે સંબંધિત છે. જ્યાં શાળાના અભ્યાસક્રમમાં માનસિક સ્વાસ્થ્ય શિક્ષણના એક ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં છોકરીઓ માટે કહેવામાં આવ્યું છે કે તેઓ પારદર્શક કે ટૂંકા કપડા ન પહેરે. ઉપરાંત, તેઓએ ચેનચાળા કરવાથી દૂર રહેવું જોઈએ. આ સાથે જ છોકરીઓને ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે જે છોકરીઓ આ બાબતોનું પાલન નહીં કરે, તેમને જાતીય શોષણનો સામનો કરવો પડી શકે છે.


અભ્યાસક્રમ અંગે વિવાદ


સીએનએનના અહેવાલ મુજબ, જે ચીની શાળા ચર્ચાનો વિષય બની છે તે ગુઆંગડોંગ પ્રાંતના ઝાઓકિંગ શહેરમાં છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે સ્કૂલે સિલેબસમાં મેન્ટલ હેલ્થ એજ્યુકેશન શરૂ કર્યું હતું, જેમાં છોકરીઓને વિચિત્ર સલાહ આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, સિલેબસની સ્ટડી મટિરિયલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ વધી ગયો છે.


સાદા વસ્ત્રો પહેરવાની સલાહ


છોકરીઓને આપવામાં આવેલી સલાહમાં કહેવામાં આવ્યું છે કે તેઓ સિમ્પલ ડ્રેસ પહેરે. આ સિવાય તેમણે કોઈની સાથે ફ્લર્ટ કરવાનું ટાળવું જોઈએ. સોશિયલ મીડિયા યુઝર્સ સ્કૂલના આ સિલેબસ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેને છોકરીઓ પરના પ્રતિબંધ તરીકે પણ જોઇ રહ્યા છે.


ઘણા લોકો આ માટે રૂઢિચુસ્ત વિચારસરણીને દોષી ઠેરવે છે. સોશિયલ મીડિયા પર આકરી ટીકા વચ્ચે હાલમાં શાળા પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે, આ પ્રકરણ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યું છે. આ સાથે શાળાના કેટલાક શિક્ષકોએ તેને લોકોની ગેરસમજ ગણાવી હતી.