Independence Day 2023: આજે ભારત પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે, દેશમાંથી ઠેર ઠેરથી શુભેચ્છાઓ આવી રહી છે, આ બધાની વચ્ચે આંતરરાષ્ટ્રીય ફલક પરથી પણ હવે શુભેચ્છા સંદેશ ભારતને મળી રહ્યાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશ મોકલ્યો છે. પુતિને પોતાના સંદેશમાં લખ્યું છે કે, સ્વતંત્રતા દિવસના અવસર પર હાર્દિક અભિનંદન સ્વીકારો. સાથે જ નવી દિલ્હી સાથેના સંબંધોને ખૂબ જ વિશેષ ગણાવીને સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરી.


અભિનંદન સંદેશમાં ભારતની સિદ્ધિઓનું વર્ણન કરતાં પુતિને કહ્યું કે, તમારા દેશે આર્થિક, વૈજ્ઞાનિક અને ટેકનિકલ, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં સાર્વત્રિક રીતે સ્વીકૃત સફળતા હાંસલ કરી છે. ભારત વૈશ્વિક સ્તરે આદરણીય છે અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં મહત્વપૂર્ણ રચનાત્મક ભૂમિકા ભજવે છે.


ભારતની સાથે ખાસ સંબંધોનો કર્યો ઉલ્લેખ - 
ભારત સાથેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કરતાં રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે નવી દિલ્હી સાથે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ. મને વિશ્વાસ છે કે સંયુક્ત પ્રયાસો દ્વારા અમે તમામ ક્ષેત્રોમાં ફળદાયી દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક અને વૈશ્વિક કાર્યસૂચિના પ્રસંગોચિત મુદ્દાઓને સંબોધવામાં રચનાત્મક ભાગીદારીને આગળ વધારીશું. નિઃશંકપણે, તે આપણા મિત્ર રાષ્ટ્રોના મુખ્ય હિતોની સેવા કરે છે અને આ ગ્રહની સુરક્ષા અને સ્થિરતામાં ફાળો આપે છે.


રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદીને એક સંદેશમાં રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું, "હું તમને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને દરેક સફળતા તેમજ તમામ ભારતીય નાગરિકોની ખુશી અને સુખાકારીની શુભેચ્છા પાઠવું છું."






નેપાળ અને ફ્રાન્સમાંથી પણ આવ્યા શુભેચ્છા સંદેશ - 
નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે પણ અભિનંદન પાઠવ્યા છે. PMO નેપાળના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા સંદેશમાં, તેમને કહ્યું, "ભારતના 77મા સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ભારતના મિત્ર લોકોને સતત અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ. હું તમને શુભેચ્છા પાઠવું છું."


ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રૉને હિન્દીમાં શુભેચ્છા પાઠવી છે. મેક્રૉને લખ્યું, "સ્વતંત્રતા દિવસ પર ભારતીયોને હાર્દિક અભિનંદન. એક મહિના પહેલા પેરિસમાં, મારા મિત્ર અને મેં ભારતની આઝાદીના શતાબ્દી વર્ષ 2047 માટે નવી ભારત-ફ્રેન્ચ મહત્વાકાંક્ષાઓ નક્કી કરી હતી. ભારત એક વિશ્વસનીય મિત્ર અને ભાગીદાર તરીકે હંમેશા ફ્રાન્સ પર વિશ્વાસ કરી શકે છે. "