China Taiwan Tension: રશિયા-યુક્રેન યુદ્ધ હજી પૂરું થયું નથી, ત્યાં ચીન અને તાઇવાન વચ્ચે ઘર્ષણ હારૂ થયું છે અને   ચીન અને અમેરિકા તાઈવાન મામલે એકબીજા વિરુદ્ધ રણનીતિ બનાવવામાં લાગેલા છે. આ બધું ચીનની નીતિઓ કારણે થઇ રહ્યું છે. ચીન લાંબા સમયથી તાઈવાન પર પોતાની સત્તાનો દાવો કરી રહ્યું છે અને અમેરિકાને તાઈવાનથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.


હાલમાં જ અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ચીન ગુસ્સે ભરાયું હતું. ચીને તાઈવાન સામે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના ફાઈટર જહાજો ઉડાવવાની સાથે તાઈવાન પર મિસાઈલ પણ છોડી છે. આમ કરીને ચીને અમેરિકાની સામે પોતાના સહયોગી દેશો પ્રત્યે પોતાના ઈરાદા વ્યક્ત કર્યા છે. 


જેમ રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારત સાથે દુનિયાના અનેક દેશો પર થઇ એમ જ ચીન અને તાઇવાન વચ્ચેના તણાવની અસર પણ ભારત પર થઇ શકે છે. ચીન અને તાઇવાન વચ્ચે તંગદિલી વધી છે. ત્યારે ચીન દ્વારા તાઇવાનના ઘેરાવથી ભારત અને દુનિયાને તાઇવાન દ્વારા મળતા ઇલેટ્રોનિક્સ પાર્ટ્સની તંગી સર્જાઈ શકે છે.


ભારતમાં માઇક્રોચીપ અને સેમી કંડકટર વાપરતા ઉદ્યોગો જેવા કે ઓટોમોબાઇલ અને મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. જાણકારોનું કહેવું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં તાઇવાન અને ભારત વચ્ચેનો ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધી શકે છે. ઉપરોક્ત ઇન્ડસ્ટ્રીઝની સપ્લાય ચેનને અસર થઈ શકે છે. પ્રસિદ્ધ કંપનીઓના મોબાઈલ લોન્ચિંગમાં ડીલે થઈ શકે છે.


વિશ્વના દેશોમાં વધતા જતા પરસ્પર જૂથવાદને કારણે મોંઘવારી સહિતની નવી સમસ્યાઓ મુશ્કેલી બનશે. શક્તિશાળી દેશોની હઠ  અને અથડામણે બીજા ઘણા દેશો માટે આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી છે. તેલ, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો બંધ થવાને કારણે મોંઘવારી સતત વધી રહી છે. યુદ્ધની સ્થિતિમાં અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવી ખૂબ જ પડકારજનક કાર્ય છે.