નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. અત્યાર સુધી માત્ર ચીનમાં જ 41 લોકોના મોત નિપજ્યા છે. 1000થી પણ વધારે લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે. ચીને તેના 15થી પણ વધારે શહેરોને જ સીલ કરવા પડ્યા છે. આ વાયસર ચામાચિડિયા કે સાપના સુપમાંથી ઉભો થયો હોવાનું માનવામાં આવે છે.

એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે જેને લઈને પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ચાઇનીઝ છોકરી ચામાચિડીયાનો સૂપ પીતી જોવા મળી રહી છે. આ છોકરી દ્વારા કોરોના વાયરસ ફેલવાનું શરૂ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વુહાનમાં ચામાચિડિયા નું સૂપ લોકોમાં ઘણું પ્રિય છે.



રિસર્ચમાં પણ ખુલાસો થયો છે કે કોરોના વાયરસ (2019-એનસીઓવી)થી ફેલાયેલા ઘાતક સંક્રમણ શ્વાસની બિમારીના પ્રકોપ માટે મૂળ રૂપથી સાપ અને ચામાચિડીયું સ્ત્રોત હોઇ શકે છે.

આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, દર્દીઓ પર કોરોના વાયરસની અસર થઈ છે તે એક વન્યજીવોના હોલસેલ માર્કેટના સંપર્કમાં હતા. જ્યાં સીફૂડ, પોલ્ટ્રી, સાપ, ચામાચિડીયું તથા ફાર્મના જાનવરો વેચવામાં આવે છે. અહીંથી જ આ દર્દીઓ કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા. આ વાયરસને ડબ્લ્યૂએચઓએ ‘2019-એનસીઓવી’ નામ આપ્યું છે.



જોકે આ માટે અલગ અલગ દાવા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ભારતે ચીનની રાજધાની પેઈચિંગમાં ગણતંત્ર દિવસને યોજાનારા સમરોહને રદ કર્યો છે. સાથે જ ચીનથી ભારત આવતા લોકો માટે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં સતર્કતા રાખવા કેટલાક સૂચનો કરાયા છે.

હુબેઈ પ્રાંતના વુહાનથી નિકળેલો વાયરસ ધીરે ધીરે પૂરા ચીનમાં અને પછી દુનિયામાં ફેલાવા લાગ્યો છે. અધિકારીઓએ હુબેઈ પ્રાંતના વુહાન, હુગાંગ, એજાઓ, જિંગિયાન અને ક્વિનજિઆંગ આ પાંચ શહેરોમાં ગુરુવાર સાંજથી સાર્વજનીક પરિવહન બંધ કરી દીધું છે. જેથી વિષાણુ ફેલાતા અટકી શકે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ વિષાણુ ધીમે ધીમે ચીનથી અન્ય દેશોમાં ફેલાવા લાગ્યા છે.