Sheikh Hasina Resignation: બાંગ્લાદેશમાં 15 વર્ષ સુધી શાસન કર્યા બાદ શેખ હસીનાએ સોમવારે (5 ઓગસ્ટ) વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારત પહોંચી ગયા હતા. થોડા મહિના પહેલા બાંગ્લાદેશના પીએમ તરીકે શેખ હસીનાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તેની સરકારને તોડવા માટે "ષડયંત્ર" રચવામાં આવી રહ્યું છે અને તેના પિતા શેખ મુજીબુર રહેમાનની જેમ તેમની પણ હત્યા થઈ શકે છે. આ બધા પાછળ એક 'વ્હાઈટ મેન' છે.


એનડીટીવીના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ છોડવાના થોડા સમય પહેલા શેખ હસીનાએ બે મહિના પહેલા મે મહિનામાં દાવો કર્યો હતો કે તેમની સરકારને તોડવા માટે "ષડયંત્ર" રચવામાં આવી રહ્યું છે. વળી, તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે બાંગ્લાદેશ અને મ્યાનમારનું વિલિનીકરણ કરીને નવો "ખ્રિસ્તી દેશ" બનાવવા માટે વિદેશમાંથી તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે.


જાન્યુઆરીમાં ફરીથી ચૂંટણી લડવાનો મળ્યો હતો પ્રસ્તાવ- શેખ હસીના 
પૂર્વ પીએમ શેખ હસીનાએ પણ કહ્યું હતું કે તેમને જાન્યુઆરીમાં ફરીથી ચૂંટણી લડવાની સરળ ઓફર આપવામાં આવી હતી. જે તેમણે તેમના કટ્ટર હરીફ ખાલિદા ઝિયાની પાર્ટી દ્વારા બહિષ્કાર કરાયેલી એકતરફી જીત ચૂંટણીમાં હાંસલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે શરત એ હતી કે બાંગ્લાદેશમાં એરબેઝ બનાવવા માટે તેમણે વિદેશી દેશને પરવાનગી આપવી પડશે, ઉમેર્યું કે આ કારણે તેમની સરકાર હંમેશા મુશ્કેલીમાં રહે છે.


જો કે, મે 2024 માં બાંગ્લાદેશના તત્કાલિન પીએમ શેખ હસીનાએ કહ્યું હતું કે, "જો મેં કોઈ ચોક્કસ દેશને બાંગ્લાદેશમાં એરબેઝ બનાવવાની મંજૂરી આપી હોત તો મને કોઈ સમસ્યા ના હોત." તેમણે કહ્યું કે પ્રસ્તાવ એક "વ્હાઇટ મેન" તરફથી આવ્યો હતો, પરંતુ કોઈ દેશનું નામ લીધું ન હતું. તેમણે વધુમાં કહ્યું કે એવું લાગે છે કે આ માત્ર એક દેશ માટે છે, પરંતુ એવું નથી. હું જાણું છું કે તેઓ ક્યાં જવા માગે છે.


ઇસાઇ દેશ બનાવવાનો હતો પ્લાન
બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ કહ્યું હતું કે 'પૂર્વ તિમોરની જેમ તેઓ બાંગ્લાદેશ (ચટગાંવ) અને મ્યાનમારના ભાગોને લઈને એક ખ્રિસ્તી દેશ બનાવશે અને બંગાળની ખાડીમાં બેઝ બનાવશે. હસીનાએ કહ્યું કે ઘણા લોકોની નજર આ જગ્યા પર છે. જો કે, શેખ હસીનાએ કોઈપણ દબાણને વશ ન થવાની પ્રતિજ્ઞા લીધી હતી.