ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોતના આંકડા નોંધાવનારા અમેરિકામાં મોતના આંકડા સતત બીજા દિવસે આગળ નીકળી ગયા છે. શનિવારે કોરોનાને કારણે અમેરિકામાં 1,497 લોકોના મોત નિપજ્યાં હતાં. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ અહીં મૃતકોની સંખ્યા 9 હજારને પાર પહોંચી ગઈ છે. તેમાંથી અડધા મૃત્યુ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ન્યૂયોર્કમાં થયા છે. જ્યાં કુલ આંકડા 9,132 પર પહોંચી ચૂક્યા છે.

અત્યાર સુધી અમેરિકામાં 3,12,223 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, જે સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે. ચિંતાની વાત એ છે કે, હજુ આ આંકડો વધવાની આશંકા છે. શનિવારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, આગામી સપ્તાહોમાં દેશમાં વધુ મોત થઈ શકે છે. અહીં આશરે 3.25 લાખ લોકો સંક્રમિત છે. જોકે ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે, સંક્રમણ રોકવાની દિશામાં પગલાં લેવાશે તો મોતનો આંકડો ઓછો થઈ શકે છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કાઓમોએ પણ આશંકા વ્યક્ત કરી છે કે તેમના રાજ્યમાં હજુ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

અમેરિકા ઉપરાંત કોરોના વાયરસનો સૌથી વધુ કહેર સ્પેન અને ઈટલીમાં પણ જોવા મળી રહ્યો છે. સ્પેનમાં જ્યાં અમેરિકા પછી સૌથી વધુ 1,30,759 ઈન્ફેક્શનના કેસ છે, ત્યાં અત્યાર સુધીમાં 12,418 લોકોના મોત નિપજ્યાં છે. ઈટલીમાં 1,24,632 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને અત્યાર સુધીમાં 15,362 લોકોનાં મોત થયા છે. દુનિયાભરમાં 12,35,295 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે અને 67,187 લોકોના મોત થઈ ચૂક્યા છે.