નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. વિશ્વના ઘણા દેશના વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધવામાં લાગ્યા છે. વેક્સીનના ડોઝ બનાવતી કંપનીઓ સાથે કેનેડા, જર્મની, ફ્રાંસ, ઇઝરાયલ જેવા દેશોએ સોદા કર્યા છે. આ દરમિયાન અમેરિકાના મહામારી એક્સપર્ટ એંથની ફાઉચીએ કોરોનાની રસીને લઈ મોટું નિવેદન આપ્યું છે.


ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, અમેરિકાના ટોપ મહામારી એક્સપર્ટ એંથની ફાઉચીએ 2020ના અંત સુધીમાં સલામત અને પ્રભાવશાળી કોવિડ-19 રસી હકીકત બની જવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, કોરોનાની રસી એક સપનું હોય તેમ મને નથી લાગતું. હું માનું છું કે આ સાચું છે અને સાચું જ સાબિત થશે. અમેરિકાએ ઓપરેશન વાર્પ સ્પીડ નામથી એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેનું મુખ્ય કામ વેક્સીન બનાવવાનું અને તેને હાંસલ કરવાનું છે.

તેમણે કહ્યું કે, રશિયા અને ચીન દ્વારા ડેવલપ કરવામાં આવતી રસીને બે સપ્તાહમાં મંજૂરી મળી શકે છે. હું આશા રાખું છું કે ચાઇનીઝ અને રશિયનો કોઈ પણને રસી આપતા પહેલા ખરેખર રસીનું પરીક્ષણ કર્યુ હશે.

વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં એક કરોડ 77 લાખથી વધારે મામલા આવી ચુક્યા છે, જ્યારે 6 લાખ 82 હજારથી વધારે લોકોના મોત થયા છે. કોરોના મુક્ત થયેલા લોકોનો આંકડો એક કરોડ 11 લાખને પાર પહોંચી ગયો છે. હાલ વિશ્વમાં 59 લાખ 11 હજાર એક્ટિવ કેસ છે.