Vaccine: બ્રિટન બાદ કોરોના મહામારી સામે લડવા માટે વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપનાર બેહરીન દુનિયાનો બીજો દેશ બની ગયો છે. અમેરિકી દવા નિર્માતા કંપની ફાઈઝર અને સહયોગી જર્મન બાયોનટેક દ્વારા વિકસિત કરવામાં આવેલી કોવિડ-19 વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે.


બેહરીન સરકારની કમ્યુનિકેશન એજન્સીના રિપોર્ટ અનુસાર, “ઉપલબ્ધ આંકડાના ગહન વિશ્લેષણ અને સમીક્ષા બાદ બેહરીનની સ્વાસ્થ્ય નિયામક એજન્સીએ શુક્રવારે રાતે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.” જો કે, બહેરીને એ નથી જણાવ્યું કે, વેક્સીનના કેટલા ડોઝ ખરીદ્યા છેઅને રસીકરણ ક્યારથી શરુ થશે. બાદમાં ફાઈઝરે જણાવ્યું કે, બેહરીનને વેક્સીનની સપ્લાય અને ડોઝની સંખ્યા સહિત વેચાણની સમજૂતી ગુપ્ત રાખવામાં આવી છે. ફાઈઝરે પણ વિસ્તૃત ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, બેહરીન પહેલા જ ચીન નિર્મિત વેક્સીન ‘સાઈનોફાર્મ’ને ઈમરજન્સી પ્રયોગ કરવાને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી 6 હજાર લોકોને વેક્સીન આપવામાં આવી છે.



ફાઈઝર કંપનીનો દાવો છે કે, ત્રીજા તબક્કાના પરીક્ષણના અંતિમ વિશ્લેષણમાં વેક્સીન 95 ટકા અસરકારક સાબિત થઈ છે. બ્રિટિશ નિયામક એમએચઆરએ જણાવ્યું હતું કે, 95 ટકા અસરકારક વેક્સીન લોકો વચ્ચે ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. ઉચ્ચ પ્રાથમિકતાવાળા સમૂહોમાં લોકોને રસીકરણની પ્રક્રિયા થોડાક દિવસોમાં શરુ કરવામાં આવશે.