બિજિંગ: ચીનમાંથી શરૂ થયેલા ખતરનાક વાયરસ કોરોનાની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. કોરોનાની સૌથી વધુ અસર પામેલા ચીનમાં આ વાયરસના કારણે મૃત્યુઆંક 3000ને પાર થયો છે. કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 80 હજારથી વધુ થઈ છે. બુધવારે પણ કોરોનાના નવા 139 કેસ નોંધાયા છે.

ઈટલીમાં કોરોના ફેલાવાને પગલે શાળાઓ 15મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈટલીમાં અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. ઈટલીમાં વાઈરસથી અસર પામેલાની સંખ્યા વધીને 3089 થઈ છે.


ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ એક ભયાનક ખતરો બની ગયો છે. ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે, અને કેટલાક શહેરોમાં વકર્યો પણ છે. તાજા રિપોર્ટ પ્રમાણે ભારતમાં 29 કેસ કન્ફોર્મ થયા છે.


અમેરિકામાં કોરોનાના કેસ વધીને 11 થયા છે ત્યારે યુએસ કોંગ્રેસે ઝડપથી ફેલાઈ રહેલા વાઈરસ સામે લડવા 8 અબજ ડોલર કરતા વધારે ભંડોળ ફાળવવાની જાહેરાત કરી છે. કેલિફોર્નિયામાં કોરોના વાઈરસને લીધે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે, જેને પગલે અમેરિકામાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 11 થઈ છે.