નવી દિલ્હીઃ કોરોના મહામારીને જોતા દુનિયાના કેટલાય દેશો દ્વારા કરવામાં આવેલા લૉકડાઉનની અસર હવે અર્થવ્યવસ્થા પર પડવાની નક્કી છે. આંતરરાષ્ટ્રીય મૉનિટરી ફંડ-IMFએ આ વાતની ચેતાવણી આપી છે. IMFના મતે કોરોના મહામારીના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા મહામંદી કરતા પણ મુશ્કેલ સ્થિતિમાં પહોંચી જશે.


IMFનુ માનવુ છે કે 2020નુ વર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખુબજ ખરાબ રહેવાનુ છે. IMFનુ અનુમાન છે કે આ વર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1930ના દાયકામાં આવેલી મહામંદી બાદની સૌથી મોટી પછડાટ જોવા મળશે.



IMFના એમડી ક્રિસ્ટલીના જ્યોર્જિયાએ ગુરુવારે કહ્યું કે, 2020માં દુનિયાના 170થી વધુ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક ઘટશે. કોરોના વાયરસના કારણે આખી દુનિયા તબાહ થઇ ગઇ છે. દુનિયાભરની સરકારોએ લગભગ 8 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પણ આ પુરતા નથી.



આઇએમએફના મતે કૉવિડ-19એ દરેક દેશની આર્થિક અને સામાજિક સ્થિતિ એકદમ ઝડપથી ખરાબ કરી દીધી છે, આવુ પહેલા ક્યારેય નથી જોવા મળ્યુ.