બીજિંગ: કોરાના વાયરસનો કહેર ચીન સહિત દુનિયાભરમાં યથાવત છે. આ ખતરનાક વાયરસની ચપેટમાં સેંકડો લોકો આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે ચીનમાં પ્રદુષણમાં ઘટાડો પણ થયો છે. અમેરિકાની સેટેલાઈટ એજન્સી નાસાએ લીધેલી ચીનની સેટેલાઈટ તસવીરોમાં આ બાબત સામે આવી છે.


નાસાએ જાહેર કરેલી તસવીરમાં ચીનના પ્રમુખ શહેરોની ઉપર નાઈટ્રોજન ડાયોક્સાઈડ ગેસના ઘટી રહેલા પ્રમાણને દર્શાવ્યુ છે. આ માટે નાસાએ 2019 અને 2020ના પહેલા બે મહિનાની સરખામણી કરી છે.

નાસાના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, કોરોનાના કારણે રસ્તા પર વાહનો ઓછા થયા છે તેમજ વુહાન અને શાંઘાઈ જેવા શહેરોમાં ઔદ્યોગિક ઉત્પાદન અને આર્થિક ગતિવિધિઓ ઓછી થવાથી પ્રદુષણમાં પણ ઘટાડો થયો છે. નાસાનુ કહેવુ છે કે, 2008માં આર્થિક મંદીના કારણે નાઈટ્રોજન ડાયોક્સાઈડના સ્તરમાં ઘટાડો થયો છે પણ તે સમયે પ્રદૂષણની માત્રામાં થયેલા ઘટાડા કરતા આ વખતે થયેલો ઘટાડો બહુ મોટો છે.

હાલમાં કોરોના વાયરસના કારણે ચીનમાં 86000 લોકો ચપેટમાં આવી ચુક્યા છે. જોકે 40000 જેટલા લોકો સારવાર બાદ સાજા પણ થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનએ શનિવારે કોરોના વાઈરસને લીધે વધુ 47 લોકોના મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક 2,835 થયો છે.