ભારતે પણ સાવચેતીના પગલારૂપે જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકો માટે વિઝ ઓન અરાઈવલની સુવિધા રદ્દ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાન સાથેની તમામ ઉડ્ડાન સેવા રદ્દ કરી દીધી છે . દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસના વધુ 594 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,931 થઈ છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં મૃતકોનો આંક વધીને 17 થયો છે. બીજીબાજુ ચીનના નેશનલ હેલ્થ કમિશનએ શનિવારે કોરોના વાઈરસને લીધે વધુ 47 લોકોના મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક 2,835 થયો છે.
આ ઉપરાંત કોરોના વાઈરસના સંક્રમણના વધુ 427 નવા કેસ નોંધાયા છે,જે અગાઉના દિવસે 327 કેસ નોંધાયેલા હતા, આ સાથે ચીનમાં કોરોના સંક્રમણના 79,251 કેસ થયા છે અને સમગ્ર વિશ્વમાં કુલ 86 હજાર કેસ નોંધાયા છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે સૌથી વધુ કોરોના વાયરસની અસર હુબેઈ પ્રાંતમાં થઈ છે. જેની રાજધાની વુહાનથી ગત વર્ષે ડિસેમ્બરથી આ વાયરસ ફેલાવવાનું શરૂ થયું હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ રોગને કોવિડ-19 નામ આપ્યું છે.