રોમ: ખતરનાક વાયરસ કોરોનાના કારણે ઈટલીમાં શુક્રવારે 250 લોકોના મોત થયા છે. આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં થનારી મોતમાં આ સૌથી વધુ સંખ્યા છે. આ 250 મોત સાથે ઈટલીમાં કુલ મૃત્યુઆંક 1266 પર પહોંચી ગયો છે.


મિલાન શહેરમાં ફસાયેલા 200-250 ભારતીયો આવશે ભારત

ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણમાં કુલ મામલાની સંખ્યા 17660 છે. જ્યારે, ઈટલીના મિલાન શહેરમાં ફસાયેલા 200-250 ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર શનિવારે એર ઈન્ડિયાનું ખાસ વિમાન મોકલશે.

વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વિટ કર્યું, 'કોવિડ-19ના કારણે મિલાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકાર કાલે બપોરે એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન મોકલશે. આ વિમાન દ્વારા અમે આશરે 200-250 મુસાફરોને પરત લાવશું.'

ફ્રાંસમાં અત્યાર સુધીમાં 79 મોત

ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 18 લોકોના મોત થયા છે. જેના કારણે કુલ મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને શુક્રવારે આ જાણકારી આપી હતી.

અમેરિકામાં કોરના વાયરસ રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે ઇમર્જન્સી જાહેરાત કરતા આ સંકટનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે. સત્તાવાર આંકડા અનુસાર કોરોના વાઇરસના કારણે અમેરિકામાં 41 લોકોના મોત થયા છે. જ્યારે 1740 લોકોને ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, યુરોપ હવે કોરોના વાયરસ મહામારીનું કેન્દ્ર બની ગયું છે.