પેરિસ: કોરોના વાયરસથી દુનિયાભરમાં મરનારાઓની સંખ્યા શનિવારે વધીને 61 હજારને પાર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં આ જીવલેણ કોરોનાના ભરડામાં 11 લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે. વિશ્વભરના 190થી વધુ દેશોમાં કોરોના પગપેસારો કરી ચૂક્યો છે. અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત 2 લાખથી વધુ લોકો સાજા પણ થઈ ગયા છે.


કોરોના વાયરસની ભીષણ ઝપેટમાં આવેલા ઈટાલીમાં અત્યાર સુધી 14,681 મોત થયા છે. જ્યારે સંક્રમિતની સંખ્યા 1,19,827 પર પહોંચી ગઈ છે. જ્યારે ઈટાલીમાં 19 હજારથી વધુ લોકો કોરોનાના ભરડામાંથી બહાર પણ આવ્યા છે. સ્પેનની વાત કરીએ અહીં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. અહીં 11,744 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સંક્રમણના 1, 24, 736 કેસ નોંધાયા છે.

અમેરિકામાં પણ આ વાયરસે હાહાકાર મચાવ્યો છે. અહીં અત્યાર સુધીમાં 7457 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 2 લાખ 79 હજારને પાર પહોંચી ગઈ છે. 12 હજાર જેટલા લોકો સાજા થઈ ગયા છે. ચીનમાં કોરોનાથી અત્યાર સુધીમાં 3,326 મોત અને 81,639 કેસ નોંધાયા છે. જેમાંથી 76,755 લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે.
ફ્રાન્સમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 6507નાં મોત થયા છે. જ્યારે 83,165 કેસ સામે આવ્યા છે.

આ સિવાય કોરોના વાયરસથી બ્રિટન અને ઈરાનની પણ ભયંકર સ્થિતિ સર્જાઈ છે. બ્રિટનમાં અત્યાર સુધી 4 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે 41 હજારથી વધુ લોકો સંક્રમિત છે. ઈરાનમાં 3 હજારથી વધુનાં મોત થયા છે અને સંક્રમિતોની સંખ્યા 55 હજારને પાર પહોંચી ગઈ છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા 3,671 થઈ ગઈ છે. આ સંખ્યા covid19india.org વેબસાઇટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યાં છે. અત્યાર સુધીનો આ સૌથી વધારે આંકડો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ ગઈ છે. જેમાંથી 213 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યાં છે અને 75 દર્દીઓના મોત નીપજ્યાં છે.