Coronavirus: કોરોના વાયરસના નવા કેસ સામે આવતા ચીનની રાજધાની બીજિંગના પાંચ વિસ્તારોમાં આંશિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. 1.6 મિલિયન લોકોને બીજિંગ છોડવા પર રોક લગાવી દેવામાં આવી છે. અધિકારીઓએ બીજિંગના સબવે બંધ કરી દીધાં છે. તેમણે કહ્યું કે, કોરોના કેસમાં ઉછાળાની વચ્ચે રાજધાનીમાં 10 ડિસેમ્બરથી દાખલ થયેલા લોકોની તપાસ કરવામાં આવશે.

ચીનમાં મંગળવારે કોરોના વાયરના 118 નવા કેસ સામે આવ્યા હતા. બીજિંગની નજીક હુબેઈ પ્રાંતમાં 19 કેસ સામે આવ્યા હતા. જ્યારે આજે દેશમાં 103 નવા કેસ સામે આવ્યા હતા. આજે રાજધાનીમાં કોરોના વાયરસના 7 નવા કેસની પુષ્ટી થઈ છે, જેમાંથી છ કેસ ડેક્સિંગ જિલ્લાના હતા. ડેક્સિંગના તમામ 1.6 મિલિયન લોકોને બીજિંગમાંથી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે. તેના માટે વિશેષ મંજૂરી લેવી પડશે અને છેલ્લા ત્રણ દિવસમાં તેની કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ હોવી જોઈએ.

જિલ્લા અધિકારીઓએ કહ્યું કે, 50 લોકોની મીટિંગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જ્યારે લગ્ન સમારોહને પણ સ્થગિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે તમામ કિન્ડરગાર્ટેન, પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને ઘરે જ રહીને ભણવાનું કરવા કહેવામાં આવ્યું છે.