Coronavirus Cases China: ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરાનાના કારણે અમુક પ્રાંતમાં લોકડાઉન પણ લગાવાયું છે. રવિવારે ચીનમાં 3,393 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વદુ કેસ છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે, ફેબ્રુઆરી 2020 પછી કોરોના કેસનો આ સૌથી વધુ દૈનિક આંકડો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા સત્તાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે શાંઘાઈમાં શાળાઓ બંધ કરી દીધી છે અને પૂર્વોત્તરના ઘણા શહેરોમાં લોકડાઉન પણ લગાવી દીધું છે. ચીનના અનેક શહેરોમાં કડક પ્રતિબંધો લગાવાયા છે.
ચીનની સાથે દક્ષિણ કોરિયા, હોંગકોંગ, વિયેતનામ જેવા દેશમાં પણ મામલા ઝડપથી વધી રહ્યા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે, અહીં ઓમિક્રોનના કેસ વધવાની સાથે મોતનો આંકડો પણ વધ્યો છે.
વિશ્વમાં શું છે કોરોનાની સ્થિતિ
વિશ્વભરમાં કોરોનાના કેસ 44.66 કરોડને વટાવી ગયા છે, જ્યારે મૃતકોની સંખ્યા 60 લાખની આસપાસ પહોંચી ગઈ છે. નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં વિશ્વભરમાં કોરોનાના 5.22 કરોડથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે આ ખતરનાક વાયરસને કારણે બે લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ પર નજર
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પાંચ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3116 કેસ નોંધાયા છે અને 16 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 40 હજારથી ઓછા થયા છે.
- એક્ટિવ કેસઃ 38,069
- કુલ ડિસ્ચાર્જઃ 4,24,37,072
- કુલ મૃત્યુઆંકઃ 5,15,850
- કુલ રસીકરણઃ 180,13,23,547 (જેમાંથી ગઈકાલે 20,31,275 ડોઝ આપવામાં આવ્યા હતા)