ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસની ચપેટમાં ભારત સહિત દુનિયાના લગભગ બે ડઝન દેશમાં અસર જોવા મળી રહી છે. ચીનમાં અત્યાર સુધી 563 લોકોનાં મોત નિપજ્યાં છે. ભારતમાં અત્યાર સુધી ત્રણ કેસ સામે આવ્યાં છે. ચીની ડોક્ટર લી વેનલિયાંગ તે આઠ લોકોમાંથી હતાં જેમણે સૌથી પહેલા કોરોના વાયરસને લઈને ચેતવણી આપી હતી. જોકે તે સમયે તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી અને સ્થાનિક પોલીસે તેમને ફટકાર પણ લગાવી હતી. ગુરુવારે વુહાનમાં ડોક્ટર લી વેનલિયાંગનું પણ કોરોના વાયરસને કારણે મોત નિપજ્યું હતું.


ડોક્ટર લી વેનલિયાંગે ગત વર્ષે 30 ડિસેમ્બરે કોરોના વાયરસથી સચેત કર્યાં હતા. તેમણે પોતાના મેડિકલ સ્કૂલના ઓનલાઈન એમ્યુમની ચેટ ગ્રૂપમાં બતાવ્યું હતું કે, તેની હોસ્પિટલમાં સાત દર્દી આવ્યા છે જેમાં સાર્સ જેવી બિમારીના લક્ષણ જોવા મળ્યાં છે. લી એ બતાવ્યું હતું કે, કોરોના વાયરસના ચીનમાં મૂળ ઘણાં જૂના છે. 2003માં પણ આ વાયરસે સેંકડો લોકોના જીવ લીધા હતા.

ચીને કહ્યું હતું કે, દેશમાં રહેલા 19 વિદેશી નાગરિકોમાં કોરોના વાયરસના સંક્રમણની પૃષ્ટિ થઈ છે. જોકે સંક્રમિત નાગરિકોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ભારત પોતાના 647 નાગરિકો અને માલદિવના 7 નાગરિકોને ચીનથી બહાર લઈ આવ્યા છે.