વોશિંગ્ટનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કાળો કહેર જોવા મળી રહ્યો છે. વિશ્વના સૌથી સલામત સ્થળ ગણતા અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ કોરોનાનો પ્રવેશ થઈ ગયો છે. એક અધિકારીનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે.


ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઇક પેનેસની સાથે નિયુક્ત એક અધિકારીનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ખુલાસા બાદ વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો છે. હવે એ વાતની તપાસ થઈ રહી છે કે આ વ્યક્તિ વ્હાઇટ હાઉસમાં કોનો કોના સંપર્કમાં આવ્યો હતો. જોકે એવી પણ જાણકારી સામે આવી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપ રાષ્ટ્રપતિ માઇક પેનેસ થોડા દિવસોથી આ વ્યક્તિના સંપર્કમાં નથી.

ઉપ રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ કેટી મિલરે કહ્યું કે, આજે સાંજે અમને જણાવવામાં આવ્યું કે, માઇક પેનેસની ઓપિસમાં એક વ્યક્તિનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ આ વ્યક્તિ કોના સંપર્કમાં આવ્યો હતો તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

અમેરિકામાં આ બિમારીતી અત્યાર સુધીમાં 230 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 18000 પર પહોંચી છે. વ્હાઇટ હાઉસના પરિસરમાં પ્રવેશ માટે ગાઇડલાઇન્સ કડક કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિના ડોક્ટરોની ટીમ અને સીક્રેટ સર્વિસના એજન્ટ દરેક વ્યક્તિનું તાપમાન ચકાસ્યા બાદ જ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ આપી રહ્યા છે.

આ ઉપરાંત યોગ્ય અંતર જાળવી શકાય તે માટે વ્હાઇટ હાઉસના પ્રેસ બ્રીફિંગ રૂમમાં સીટિંગ એરેજમેન્ટ પણ બદલી નાંખવામાં આવી છે.