ઈસ્લામાબાદઃ તલબીગી જમાતે દિલ્હીમાં યોજેલા કાર્યક્રમના કારણે ભારતમાં આલોચનાનો સામનો કરી રહી છે. પરંતુ હવે માત્ર ભારત નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જમાતની આલોચના થઈ રહી છે. જમાતે ગત મહિને પાકિસ્તાનમાં વાર્ષિક કાર્યક્રમ યોજ્યો હતો. ડોનના રિપોર્ટ મુજબ, પંજાબ પ્રાંતની સરકારના વિરોધ છતાં જમાતે તેનો વાર્ષિક કાર્યક્રમ યોજ્યો હતો. પંજાબ સ્પેશલ બ્રાંચે જણાવ્યું કે, 10 માર્ચના યોજાયેલા કાર્યક્રમમાં 80 હજાર લોકો સામેલ થયા હતા.

તલબીગી જમાતના પ્રંબધને દાવો કર્યો કે, વાર્ષિક કાર્યક્રમમાં દોઢ લાખ લોકો આવ્યા હતા. જેમાં 40 દેશના આશરે 3000 લોકો સામેલ થયા હતા. જેમાંથી હજુ ઘણા લોકો પાકિસ્તાનથી તેમના દેશ નથી જઈ શક્યા. કોરોના વાયરસના કારણે તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવી હોવાથી આ લોકો તેમના મૂળ વતનમાં પહોંચી શક્યા નથી.

ભારતમાં સામે આવેલા કોરોનાના કુલ મામલામાં 30 ટકા જમાતી છે. પાકિસ્તાનમાં કોરોનાથી 60થી વધારે લોકોના મોત થયા છે. તલબીગી જમાતના રાયવિંદ શહેરમાં થયેલા કાર્યક્રમ બાદ ત્યાં સેંકડો જમાતીઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા.  જે બાદ બે લાખ લોકોની વસતિ ધરાવતા આ શહેરને સમગ્ર રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. સંગઠનના કાર્યક્રમને લઈ તંત્રના આદેશોની અવગણના કરી હોવાનો સંગઠન પર આરોપ છે.

જમાત દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવ્યુ હતું કે 6 દિવસીય કાર્યક્રમ ઘટાડીને ત્રણ દિવસનો કરી દેવામાં આવ્યો છે. રાયવિંદ મરકઝમાં હજુ પણ 5000 લોકો ફસાયેલા હોવાનું કહેવાય છે. જેમાંથી આશરે 3000 વિદેશી છે. સ્થાનિક તંત્ર દ્વારા જમાતના મેનેજમેન્ટને સહયોગની અપીલ કરવામાં આવી છે.