કોરોના વાયરસ: વિશ્વના 90 દેશોમાં ખતરનાક વાયરસની અસર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2020 06:20 PM (IST)
વિશ્વના 90 દેશો આ ખતરનાક વાયરસના સકંજામાં આવી ગયા છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે
નવી દિલ્હી: ચીનના વુહાનથી શરૂ થયેલા ખતરનાક કોરોના વાયરસની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. હવે વિશ્વના 90 દેશો આ ખતરનાક વાયરસના સકંજામાં આવી ગયા છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે કેસોની સંખ્યા એક લાખ સુધી પહોંચવા આવી છે. વિશ્વના દેશોમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને 3300ને પાર પહોંચી ગયો છે. માત્ર ચીનમાં જ 3 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. ચીનમાં ગંભીર રીતે રહેલા દર્દીઓની સંખ્યા હજુ પણ 6 હજાર જેટલી છે. ચીન સરકાર પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે. માત્ર ચીનમાં જ નહીં દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. ઈરાન, ઈરાક, હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ભારતમાં કોરોનાની અસર હવે ધીમે ધીમે વધી રહી છે. દિલ્હીમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે.