નવી દિલ્હી: દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસે અમેરિકામાં કોહરામ મચાવી દીધો છે. અમેરિકા પ્રથમ એવો દેશ છે જ્યાં એક જ દિવસમાં કોરોનાની મહામારીથી બે હજારથી વધુ લોકોના મોત થયા છે. મોત મામલે અમેરિકાએ ઈટાલીને પણ પાછળ છોડી દીધો છે. હાલમાં વિશ્વમાં સૌથી વધુ મોત અને સંક્રમિત લોકોનીં સંખ્યા અમેરિકા છે.


જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલના આંકડા અનુસાર શનિવાર સવારે દેશમાં મૃતકોનો આંકડો 20,137 પર પહોંચી ગયો છે જે ઈટાલી કરતા વધુ છે. ઈટાલીમાં કોરનાએ 19,468 લોકોનો ભોગ લીધો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 1,52,271 પર પહોંચી ગઈ છે.

અમેરિકામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 5,21,042 થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં કુલ 1,80,548 લોકો કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. ન્યૂયોર્કમાં આ વાયરસથી 8627 લોકોના મોત થયા છે. જ્યારે ન્યૂ જર્સીમાં 2,183 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 58 હજારથી વધુ સંક્રમિત છે.

વિશ્વભરમાં આ જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 17,54,362 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 1,07,030 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે સારા સમાચાર એ પણ છે કે 393,739 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે અને સાજા થઈ ગયા છે.