ચીનના શાંઘાઈમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. સરકારે કોરોનાના કેસને અટકાવવા માટે લોકડાઉન લગાવ્યું છે. લોકડાઉનના કારણે શાંઘાઇમાંથી લોકો ભાગવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક પેકર્સ અને મૂવર્સ તેમજ કેટલીક કાયદાકીય ફર્મનું કહેવું છે કે લોકો ચીનના સૌથી મહત્વપૂર્ણ શહેર શાંઘાઈમાંથી અન્ય સ્થળે ભાગી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા સલાહ લીધી છે કે શહેર લોકડાઉન હેઠળ છે, તેઓ પ્રતિબંધો વચ્ચે શહેર છોડવા માટે શું કરી શકે છે.


2.5 કરોડની વસ્તી ધરાવતા આ શહેરમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ છે. અહીં મોટી સંખ્યામાં વિદેશીઓ રહે છે, પરંતુ કોવિડના કેસ વધ્યા બાદ તેઓએ અહીંથી સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. ઈન્ટરનેશનલ મૂવર્સ શાંઘાઈ M&Tના સ્થાપક માઈકલ ફૉંગે કહ્યું કે સામાન્ય રીતે અમને દર મહિને લગભગ 30-40 ઓર્ડર મળતા હતા. પરંતુ આ મહિને આવા ઓર્ડરોમાં ભારે વધારો થયો છે.


વિદેશી નાગરિકો ખાવા માટે પણ ભટકી રહ્યા છે


એજન્સી અનુસાર, શાંઘાઈમાં કોવિડના કેસ વધ્યા બાદ મુસીબતો પણ વધી છે, સ્થિતિ એવી છે કે અહીં લોકોને ખાવાનું પણ નથી મળી રહ્યું. 10 વિદેશી નાગરિકોએ જણાવ્યું કે તેમને ભોજનની વ્યવસ્થા કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, દરેક ક્ષણે એવો પણ ભય રહે છે કે ઘરના કોઈ સભ્યને ચેપ લાગી શકે છે. જો કોઈને કોરોના થાય તો દર્દીને આઇસોલેશનમાં લઇ જવામાં આવી રહ્યા છે.


'અહીની સરકારને લોકોના જીવની પરવા નથી'


શાંઘાઈમાં એક વિદેશી નાગરિક જેનિફર લીએ કહ્યું કે લોકડાઉન પહેલા હું જે ઈચ્છું તે કરવા માટે સ્વતંત્ર હતી. મને ક્યારેય કોઈ સમસ્યાનો અનુભવ થયો નથી. પરંતુ લોકડાઉન પછી ડરનો અનુભવ થયો. હું છેલ્લા 11 વર્ષથી અહીં રહું છું, પરંતુ હવે હું અહીંથી બહાર જવા માંગુ છું. એજન્સી અનુસાર, એક વિદેશી નાગરિકે જણાવ્યું કે તે અને તેની 5 મહિનાની પુત્રીએ પુડોંગ એરપોર્ટના ફ્લોર પર 7 દિવસ સૂઈને વિતાવ્યા હતા.