અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનને સમર્થન આપવાની ફરીથી વાત કરી હતી. તેમણે કહ્યું કે યુક્રેનના લોકો રશિયન આક્રમણમાં દરરોજ પોતાનો જીવ આપી રહ્યા છે. યુક્રેનની મદદ માટે વિશ્વએ આગળ આવવું પડશે. અમેરિકા યુક્રેનને ખુલ્લેઆમ મદદ કરશે. યુક્રેનને હથિયાર આપવાની સાથે આર્થિક મોરચે પણ મદદ કરવી પડશે.
બુધવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં મીડિયાને સંબોધતા જો બાઇડને કહ્યું હતું, 'મેં પહેલા પણ કહ્યું હતું કે અમેરિકા યુક્રેનમાં યુદ્ધ લડવા માટે તેના સૈનિકો નહીં મોકલે. પરંતુ અમે રશિયન આક્રમણ સામે યુક્રેનને શક્ય તેટલી મદદ કરીશું. બાઇડને વધુમાં કહ્યું કે અમેરિકા રશિયા સામે યુદ્ધ કરી રહ્યું નથી પરંતુ અમે રશિયન આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનને મદદ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમેરિકાએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. નાટો દેશોની સુરક્ષા માટે અમેરિકા તૈયાર છે. અમેરિકા રશિયા અને બેલારુસ પાસેની નાટો દેશોની સરહદો પર વધુ સૈનિકો મોકલશે.
અમેરિકાના ખેડૂતોને ઉત્પાદન વધારવાની અપીલ
જો બાઇડને યુક્રેનમાં જોવા મળેલા ભયાનક દ્રશ્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રશિયા આક્રમક દેશ છે. અમે યુક્રેનમાં આવા ઘણા દ્રશ્યો જોયા છે, જે યુદ્ધ અપરાધોની સાક્ષી આપે છે. રશિયા છેલ્લા બે મહિનાથી યુક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે. યુક્રેનની કૃષિ પ્રણાલી વિશે વાત કરતાં બાઇડને કહ્યું કે યુક્રેન વિશ્વના સૌથી મોટા કૃષિ નિકાસકારોમાંનું એક છે. પરંતુ યુદ્ધના સંજોગોએ ત્યાંની પરિસ્થિતિ બદલી નાખી છે. પોતાના સંબોધનમાં બાઇડને અમેરિકાના ખેડૂતોને ઘઉં સહિત અન્ય પાકોનું ઉત્પાદન વધારવા અપીલ કરી હતી.
બાઇડન આવતા મહિને પીએમ મોદીને મળશે
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન આવતા મહિને ટોક્યોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. આ અંગે માહિતી આપતાં વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બાઇડન આવતા મહિને દક્ષિણ કોરિયા અને જાપાનનો પ્રવાસ કરશે અને ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન બાઇડન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બાઇડનની દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત 20 થી 24 મે સુધી નિર્ધારિત કરવામાં આવી છે.