Corona Infaction : અમેરિકામાં ફરી એકવાર કોવિડના કેસ વધી રહ્યા છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા આપવામાં આવેલી માહિતી ખૂબ જ ચિંતાજનક છે. સીડીસીનું કહેવું છે કે, 15 જુલાઈ સુધીમાં કોવિડ-19 ધરાવતા 7,100 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે એક સપ્તાહ પહેલા આ સંખ્યા 6,444 હતી. સીડીસીએ ચેતવણી આપી હતી કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. આ આંકડો ગયા વર્ષના ડિસેમ્બર પછી સૌથી વધુ છે.
દર્દીઓની સંખ્યામાં વધારો
સીડીસીના જણાવ્યા અનુસાર, 21 જુલાઈ સુધીમાં ઇમરજન્સીમાં આવતા સરેરાશ 0.73 ટકા લોકોને કોવિડ-19 હતો. જ્યારે 21 જૂન સુધી આ સંખ્યા માત્ર 0.49 ટકા હતી. એટલાન્ટામાં સીડીસીના અધિકારી ડો. બ્રેન્ડન જેક્સને જણાવ્યું હતું કે, લગભગ છ, સાત મહિનાના સતત ઘટાડા બાદ જ્યારે સ્થિતિ ફરીથી સુધરવા લાગી ત્યારે જ આ આંકડામાં વધારો થયો. અમે છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમાં વધારો જોયો છે. આ અઠવાડિયે લાંબા સમયથી પહેલીવાર અમે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં પણ વધારો જોયો છે.
કેમ વધી રહ્યા છે કેસ?
હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ વધ્યું છે, તેમ છતાં તે ગયા વર્ષના સમાન સમયે નોંધાયેલા સ્તર કરતાં નીચે છે. જુલાઈ 2022 માં, એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 44,000 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ ટકા લોકોને કોવિડ-19 સાથે સંકળાયેલા ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીડીસીના જણાવ્યા અનુસાર, આ વખતે દર્દીઓ એક સુપર ટ્રાન્સમિસિબલ વેરિઅન્ટને કારણે હોસ્પિટલમાં આવી રહ્યા છે એવું નથી. CDCના વર્તમાન અંદાજો સૂચવે છે કે, XBB વેરિઅન્ટ કે જેના કારણે ગયા શિયાળામાં ચેપ લાગ્યો હતો તે આ વખતે ફેલાઈ રહ્યો છે.
ગરમીના કારણે નવી લહેર!!!
અમેરિકામાં કોવિડનો દર હજુ પણ 'ઐતિહાસિક રીતે નીચલા સ્તરે' છે. તેનાથી નિષ્ણાતોને થોડી રાહત મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં એકંદરે ચેપ-સંબંધિત મૃત્યુ ઘટી રહ્યા છે અને CDCએ તેમને ટ્રેક કરવાનું શરૂ કર્યું ત્યારથી તે સૌથી નીચા દરે છે. એનવાયયુ લેંગોન મેડિકલ સેન્ટરના મેડિસિનના પ્રોફેસર ડૉ. માર્ક સિગેલે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, ઉનાળો ચાલી રહ્યો છે. જેના કારણે દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.