Texas Two Planes Collide: અમેરિકાના ટેક્સાસમાં આકાશમાં બે પ્લેન ટકરાયા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. હવામાં ટકરાયેલા આ બંને વિમાનો વિન્ટેજ મિલિટરી એરક્રાફ્ટ હતા જે ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એર શોમાં હાજરી આપવા આવ્યા હતા. એર શોમાં કરતબ કરતા સમયે બંને પ્લેન હવામાં અથડાયા હતા.
આ અકસ્માત 12 નવેમ્બરે બપોરે 1.30 વાગ્યે થયો હતો. ટેક્સાસના ડલ્લાસમાં વિન્ટેજ એર શો ચાલી રહ્યો હતો. એક બોઇંગ B-17 હવામાં કરતબ કરી રહ્યું હતું, ત્યારે અચાનક આ પ્લેન પાસે બેલ P-63 નામનું બીજું પ્લેન આવ્યું અને કોઈ કંઈ સમજે તે પહેલા જ બંને અથડાઈ ગયા હતા.
આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા
ફાયર બ્રિગેડની 40થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 6 લોકોના મોત થયા છે.
ટ્વિટર પર પોસ્ટ કરાયેલા કેટલાક વીડિયોમાં બે વિમાન હવામાં અથડાતા જોવા મળે છે. બંને વિમાનો આકાશમાં જગલિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ અથડાયા હતા. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ શરૂ કરી છે.
બીજા વિશ્વયુદ્ધના ફાઇટર જેટની જાળવણી માટે સમર્પિત જૂથ કોમિમોરેટિવ એર ફોર્સ (CAF)ના પ્રમુખ અને સીઇઓ હેન્ક કોટ્સે જણાવ્યું હતું કે B-17માં સામાન્ય રીતે ચારથી પાંચ લોકોના ક્રૂ હોય છે. કોટ્સે કહ્યું કે P-63માં માત્ર એક જ પાઈલટ હોય છે. ઘટના સમયે પ્લેનમાં અન્ય કેટલા લોકો સવાર હતા તેની તેઓએ કોઇ જાણકારી આપી નહોતી.