ફ્રાન્સ પહોંચેલા રાજનાથ સિંહે કહ્યુ કે, સ્વાભાવિક રીતે તમામ કોઇ રાફેલને લઇને ઉત્સાહિત છે. રાફેલ ભારતને સોંપી દેવામાં આવશે. હું આશા રાખું છું કે તમે પણ આ સમારોહના સાક્ષી બનશો. દરમિયાન આ સમારોહમાં ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લે પણ હાજર રહેશે. બોર્ડેક્સ માટે રવાના થતા અગાઉ રાજનાથ સિંહ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ અમૈનુએલ મૈક્રો સાથે પણ મુલાકાત કરશે.
બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. રાજનાથ સિંહને રાફેલ સોંપવાનો કાર્યક્રમ પેરિસથી લગભગ 590 કિલોમીટર દૂર વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશનના પ્લાન્ટમાં રાખવામાં આવ્યો છે. રાજનાથ સિંહ 9 ઓક્ટોબરના રોજ ફ્રાન્સની ટોચની વેપન્સ નિર્માતા કંપનીઓના સીઇઓ સાથે પણ બેઠક કરશે. નોંધનીય છે કે ભારતે 2016માં ફ્રાન્સ સાથે 58000 કરોડ રૂપિયામાં 36 ફાઇટર પ્લેન ખરીદવાનો કરાર કર્યો હતો. આ વિમાન આધુનિક મિસાઇલથી સજ્જ છે.