નવી દિલ્હીઃ કોરોના વાયરસ ચીનના એનિમલ માર્કેટમાંથી ફેલાયો છે આ થિયરી પર હજુ સુધી કોઇ પણ દેશ વિશ્વાસ કરી રહ્યો નથી. વાયરસ ક્યાંથી આવ્યો તેની જાણ મેળવવા માટે સરકારો જાસૂસી કરાવી રહી છે. બ્રિટન સરકારને ગુપ્ત જાણકારી મળી છે કે વાયરસનો ફેલાવો પ્રથમ ચીની લેબથી પ્રાણીઓમાં થયો અને ત્યારબાદ તે માણસોમાં ફેલાયો અને ઘાતક રૂપ ધારણ કર્યું છે.


બ્રિટનના ટોચના સરકારી સૂત્રોએ કહ્યું હતું કે, ભલે અત્યાર સુધી વૈજ્ઞાનિકોનો મત એ રહ્યો હોય કે વાયરસ વુહાનના એનિમલ માર્કેટમાંથી માણસોમાં ફેલાયો છે પરંતુ ચીની લેબમાંથી લીકના ફેક્ટને નકારી શકાય નહીં. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન દ્ધારા બનાવવામાં આવેલી ઇમરજન્સી કમિટી કોબરાના એક સભ્યએ કહ્યુ કે છેલ્લી રાત્રે મળેલી ગુપ્ત જાણકારી અનુસાર આ વાતને લઇને કોઇ બે મત નથી કે વાયરસ પ્રાણીઓમાંથી ફેલાયો છે પરંતુ એ વાતથી પણ ઇનકાર ના કરી શકાય કે વાયરસ વુહાનની લેબમાંથી લીક થઇને સૌ પ્રથમ માનવીઓમાં ફેલાયો હતો.

કોબરાને સિક્યોરિટી સર્વિસને આ સંબંધમાં ડિટેઇલ જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વાયરસની પ્રકૃતિને લઇને એક વિશ્વસનીય વૈકલ્પિક વિચાર છે. ફક્ત સંયોગ નથી કે વુહાનમાં લેબ આવેલી છે. આ તથ્યને નજરઅંદાજ કરી શકાય નહી. વુહાનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી આવેલી છે. ચીનમાં આ સૌથી એડવાન્સ લેબ છે. આ ઇન્સ્ટિટ્યૂટથી એનિમલ માર્કેટ ફક્ત 10 માઇલ દૂર છે. 2004માં પણ ચીની લેબથી થયેલા લીકના કારણે ઘાતક સાર્સ વાયરસ ફેલાયો હતો જેનાથી ત્યાં એક વ્યક્તિનું મોત થયું હતું અને નવ અન્ય સંક્રમિત થયા હતા.ચીની સરકારે ત્યારે કહ્યું હતુ કે, આ બેદરકારીના કારણે થયું છે અને પાંચ વરિષ્ઠ અધિકારીઓને સજા પણ અપાઇ હતી.