ન્યૂયોર્કઃ અમેરિકાએ ભારતીય આઈટી પ્રોફેશનલના સૌથી પસંદગીના H-1B વીઝાને મોંઘા કરવાની તૈયારી કરી લીધી છે. અહેવાલ મુજબ, ટ્રમ્પ તંત્ર તેની ફીમાં 22 સુધીનો વધારો કરી શકે છે. આ ઉપરાંત L-1 વીઝા ફીમાં પણ 77 ટકાનો તોતિંગ વધારો થવાની સંભાવના છે.


યૂએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેસન સર્વિસેઝ (USCIS)એ આ પ્રસ્તાવ ઈમિગ્રેશન એન્ડ રેગુલેટરી એફયર્સની વ્હાઇટ હોઉસ ઓફિસને મોકલી આપ્યો છે. જેમાં જણાવાયું છે કે તેમની વીઝા ફીની આવકમાં મોટો ઘટાડો આવ્યો છે. જો જુલાઈ સુધી સરકાર તરફથી 1.2 અબજનું ફંડિંગ નહીં મળે તો 18,700 કર્મચારીઓમાંથી અડધાને પગાર વગર રજા પર ઉતારવા પડી શકે છે.

વીઝા ફી વધારવાનો પ્રસ્તાવ ગત વર્ષે નવેમ્બરમાં આવ્યો હતો. જેમાં ફોર્મ I-129 માટે અલગ-અલગ ફી વધારાની ભલામણ કરાઈ હતી. જે મુજબ H-1B વીઝામાં 22 ટકા વધારો કરાશે. આ વીઝા માટે ફી વધારીને 560 ડોલર સુધી પહોંચી શકે છે. જ્યારે L-1 ઈન્ટ્રા કંપની ટ્રાન્સફર વીઝા ફી વધીને 815 ડોલર સુધી પહોંચી શકે છે.