Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડન વહીવટીતંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જો બાઇડન સરકાર પર નિશાન સાધ્યું અને તેમના પર ભારતની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
એલન મસ્કના નેતૃત્વમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિએન્સી (DOGE) એ 16 ફેબ્રુઆરીના રોજ 21 મિલિયન ડોલરના ફંડિંગને બ્લોક કરવાની જાહેરાત કરી હતી. DOGE એ X પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે ઘણા વિદેશી સહાય કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા છે કારણ કે તે બિનજરૂરી અથવા અતિશય ખર્ચાળ માનવામાં આવે છે. આ યાદીમા ભારતમાં વોટર ટર્નઆઉટ પ્રોજેક્ટ યાદીમાં ટોચ પર રહ્યો હતો.
શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે?
મિયામીમાં FII પ્રાયોરિટીઝ સમિટને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, "આપણે ભારતમાં મતદાન પર 21 મિલિયન ડોલર ખર્ચવાની કેમ જરૂર પડી? મને લાગે છે કે તેઓ કોઈ બીજાને ચૂંટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આપણે ભારત સરકારને કહેવું પડશે. આ એક મોટી સફળતા છે."
DOG ના નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું હતું
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો નિવાસસ્થાને DOGEના નિર્ણયને ટેકો આપ્યો હતો અને પૂછ્યું હતું કે ભારત પાસે ઘણા પૈસા હોવા છતાં તેને 21 મિલિયન ડોલર કેમ આપવામાં આવ્યા.
તેમણે કહ્યું કે ભારત પાસે પહેલાથી જ પુષ્કળ પૈસા છે અને તે વિશ્વમાં સૌથી વધુ કર વસૂલતા દેશોમાંનો એક છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ભારત સાથે વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ત્યાં ટેરિફ ખૂબ ઊંચા છે. તેમણે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આદર વ્યક્ત કર્યો પરંતુ એ વાત પર આશ્વર્ય વ્યક્ત કર્યું હતું કે અમેરિકાને ભારતમાં મતદાન પ્રક્રિયા માટે ચૂકવણી કરવાની જરૂર કેમ લાગી હતી.
ભાજપે નિશાન બનાવ્યું હતું
ભાજપે તેને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં વિદેશી હસ્તક્ષેપ ગણાવ્યો હતો. ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ પૂછ્યું હતું કે આ રકમનો ફાયદો કોને થયો, એ ચોક્કસ છે કે શાસક પક્ષને તેનો ફાયદો થયો નહી હોય
તેમણે તેને વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતીય સંસ્થાઓમાં વ્યવસ્થિત ઘૂસણખોરીનો ભાગ ગણાવ્યો અને કહ્યું કે આનાથી ભારતના લોકશાહી માટે ખતરો વધી શકે છે. માલવિયાએ આ ભંડોળ પહેલ પાછળ અમેરિકન અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે વિદેશી ભંડોળથી ચાલતા અભિયાનોમાં જ્યોર્જ સોરોસનો પ્રભાવ અગાઉ જોવા મળ્યો છે.