અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ટેરિફની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે આ મુક્તિનો દિવસ છે જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું. ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પની આ જાહેરાત મુજબ ભારતથી અમેરિકા આવતા માલ પર 26 ટકા ટેરિફ લાદવામાં આવશે. ચીનથી આવતી આયાત પર 34 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન સાથે વધતી જતી વેપાર ખાધ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
વધુમાં ટ્રમ્પ વહીવટીતંત્રે વિયેતનામથી આયાત થતી ચીજવસ્તુઓ પર 46 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે સૌથી વધુ દરોમાંનો એક છે. યુરોપિયન યુનિયન પર 20 ટકા, સ્વિટ્ઝર્લૅન્ડ પર 31 ટકા અને તાઇવાન પર 32 ટકા ટેરિફ લાદવામાં આવશે. યુનાઇટેડ કિંગડમથી થતી આયાત પર ફક્ત 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રાજકીય અને આર્થિક સંબંધોમાં સ્થિરતાને કારણે હોઈ શકે છે.
ટ્રમ્પે સ્વિટ્ઝર્લૅન્ડ પર 31 ટકા, તાઇવાન પર 32 ટકા, જાપાન પર 24 ટકા, બ્રિટન પર 10 ટકા, બ્રાઝિલ પર 10 ટકા, ઇન્ડોનેશિયા પર 32 ટકા, સિંગાપોર પર 10 ટકા અને દક્ષિણ આફ્રિકા પર 30 ટકા ટેરિફ લાદ્યો છે. તેમણે વિદેશથી આયાત થતી ઓટોમોબાઈલ પર 25 ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે ઓટો પાર્ટ્સ પર પણ તે જ ટેરિફની જાહેરાત કરી છે. ઓટોમોબાઈલ પરનો નવો ટેરિફ 3 એપ્રિલથી અને ઓટો પાર્ટ્સ પરનો નવો ટેરિફ 3 મેથી અમલમાં આવશે. તે સિવાય બાંગ્લાદેશ પર 37 ટકા, પાકિસ્તાન પર 29 ટકા, શ્રીલંકા પર 44 ટકા, ઇઝરાયલ પર 17 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
ટ્રમ્પે ભારત વિશે શું કહ્યું?
અમેરિકાએ ભારત પર 26 ટકા ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. તેઓ મારા ખૂબ જ સારા મિત્ર છે. પરંતુ આ મુલાકાત દરમિયાન મેં વડાપ્રધાન મોદીને કહ્યું કે તમે અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. ભારત હંમેશા અમેરિકા પાસેથી 52 ટકા ટેરિફ વસૂલ કરે છે. તેથી અમે તેમની પાસેથી 26 ટકાના ટેરિફનો અડધો ભાગ વસૂલ કરીશું.
ટેરિફની શું અસર પડશે?
ભારત ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે. નિષ્ણાતોના મતે આ ટેરિફની સૌથી ખરાબ અસર કાપડ ઉદ્યોગ, જ્વેલેરી સેક્ટર પર પડી શકે છે.
2023-24માં ભારતમાંથી લગભગ 36 અબજ ડોલર (લગભગ ૩ લાખ કરોડ રૂપિયા) ની કાપડ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 28 ટકા હતો, જે લગભગ 10 અબજ ડોલર (લગભગ 85,600 કરોડ રૂપિયા) હતો. વર્ષ-દર-વર્ષ આ પ્રદેશમાં અમેરિકા સાથે ભારતીય વેપારમાં વધારો જોવા મળ્યો છે. 2016-17 અને 2017-18માં કાપડ ઉદ્યોગમાં કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 21 ટકા હતો જે 2019-20માં 25 ટકા અને 2022-23માં 29 ટકા સુધી પહોંચ્યો હતો.