ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (20 જાન્યુઆરી, 2025) અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પ એક્શનમાં જોવા મળ્યા અને તેમણે પોતાના પહેલા જ ભાષણમાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકામાં ડ્રગ તસ્કરોને આતંકવાદી જાહેર કરવામાં આવશે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર ફેંકી દેવામાં આવશે. આ સાથે તેમણે મેક્સિકો સરહદ પર નેશનલ ઇમરજન્સી જાહેર કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાનો સુવર્ણ યુગ હમણાં જ શરૂ થયો છે. આ દિવસથી આપણો દેશ ફરી ખીલશે અને સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થશે. અમેરિકા ફરીથી મોટું અને મહાન બનશે. હવે અમેરિકામાં ઝડપથી પરિવર્તન આવશે. અમે અમેરિકામાં ઘૂસણખોરી થવા દઈશું નહીં. અમેરિકા ફર્સ્ટ નીતિ પર કામ કરશે. અમેરિકા ટૂંક સમયમાં પહેલા કરતાં વધુ મહાન, મજબૂત અને વધુ અસાધારણ બનશે. હું આત્મવિશ્વાસ સાથે રાષ્ટ્રપતિ પદ પર પાછો ફરું છું અને આશા રાખું છું કે આપણે રાષ્ટ્રીય સફળતાના એક નવા રોમાંચક યુગની શરૂઆત કરી રહ્યા છીએ. દેશમાં પરિવર્તનની લહેર છે.
બાઇડેન, ઓબામા, જયશંકર સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી
ટ્રમ્પ સાથે શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યૂ બુશ અને બિલ ક્લિન્ટન સામેલ થયા હતા. આ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી જયશંકરે કર્યું હતું. ટ્રમ્પની પત્ની મેલાનિયા, તેમની પુત્રી ઇવાન્કા અને તેમના પતિ જેરેડ કુશનર અને અબજોપતિ ઉદ્યોગપતિઓ એલન મસ્ક, જેફ બેઝોસ અને ટિમ કૂકે સમારોહમાં હાજરી આપી હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
- અમેરિકા ફર્સ્ટ નીતિ પર કામ કરશે.
- મેક્સિકો સરહદ પર નેશનલ ઇમરજન્સી જાહેરાત
- અમેરિકામાં ડ્રગ તસ્કરોને આતંકવાદી જાહેર કરવામાં આવશે.
- હવે અમેરિકામાં દરેકને વાણી સ્વાતંત્ર્ય મળશે.
- ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર ફેંકી દેવામાં આવશે.
- અમેરિકામાં ફક્ત બે જ જેન્ડર હશે, પુરુષ અને સ્ત્રી.
- પનામા કેનાલ પર નિયંત્રણ પરત લેવાશે.
- ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ ગલ્ફ ઓફ અમેરિકા કરાશે.
- External Revenue Serviceની જાહેરાત કરાઇ
- મેક્સિકન સરહદ પર દિવાલ બનાવશે.
- Drill Baby Drill નીતિ જાહેર કરવામાં આવી.
- રંગભેદ નહી, પ્રતિભાને પ્રાથમિકતા
- અન્ય દેશો પર કર અને ટેરિફ વધારશે.
- અમેરિકામાં કોઈ સેન્સરશીપ નથી.
- અમે ચીનના વર્ચસ્વનો અંત લાવીશું.
- અમેરિકન દળો તેમના મિશનને પાર પાડવા માટે સ્વતંત્ર છે.
- અમેરિકન સેના બીજા દેશોના યુદ્ધમાં જશે નહીં.
- દુનિયા હવે આપણો ઉપયોગ કરી શકશે નહીં.
- અમેરિકામાં કાયદાનું શાસન હશે.
- બાઇડને કાયદાનો દુરુપયોગ કર્યો, જે હવે નહીં થાય.
- અમેરિકા ફરીથી મેન્યુફેક્ચરિંગ હબ બનશે.
- આપણે અવકાશમાં અમેરિકાનો ધ્વજ ફરકાવીશું.
- અમેરિકા માટે કંઈ પણ અશક્ય નથી.
- અમે અમેરિકાના દુશ્મનોને હરાવીશું.
- આપણે સપના જોઈશું અને તેને પૂરા કરીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું